વોશિંગ્ટનઃ અમેરિકામાં સક્રિય બે મુસ્લિમ સંગઠનો સામે આતંકવાદને સમર્થન આપવા બદલ ટેક્સાસના ગવર્નર દ્વારા આકરા પગલા લેવાયા છે. ટેક્સાસ ગવર્નરે બન્ને સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. તેથી હવે આ બન્ને સંગઠનો અમેરિકામાં કોઇ જ વ્યવહાર નહીં કરી શકે કે જમીનની ખરીદી નહીં કરી શકે. ટેક્સાસ ગવર્નર દ્વારા જારી નિવેદનમાં જણાવાયું છે કે મુસ્લિમ બ્રધરહૂડ અને કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સ (સીએઆઇઆર) પર પ્રતિબંધ મૂકાયો છે. આ બન્ને સંગઠનો વૈશ્વિક સ્તરે આતંકવાદને સમર્થન આપી રહ્યા હોવાના પુરાવા મળ્યા હતા જે બાદ આ કાર્યવાહી કરાઇ છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ અબ્બોટ્ટે કહ્યું હતું કે અમારા રાજ્ય ટેક્સાસમાં કટ્ટરવાદીઓને કોઈ જ સ્થાન નથી. જે સંગઠનો પર પ્રતિબંધ મૂકાયા છે તેમાં સીએઆઇઆર ગાઝા મુદ્દે અમેરિકાની સરકારના પક્ષને લઈને આકરી ટીકા કરતું આવ્યું છે. જ્યારે મુસ્લિમ બ્રધરહૂડ સંગઠન ઇસ્લામિક કટ્ટરવાદનું સમર્થન કરતુ આવ્યું હોવાનો દાવો ગવર્નર દ્વારા કરાયો છે.


