વોશિંગ્ટનઃ આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ખભે ખભા મિલાવીને ઊભું છે તેમ અમેરિકાનાં ડેપ્યુટી વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લેન્ડોએ ભારતનાં પ્રતિનિધિ મંડળને ખાતરી આપી છે. તેમણે ભારતનાં કોંગ્રેસી સાંસદ શશી થરુરના વડપણ હેઠળ અમેરિકા ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં આ લાગણી વ્યક્ત કરી હતી.
ભારતનાં ડેલિગેશન દ્વારા પહલગામ આતંકી હુમલો, તેમાં પાકિસ્તાનની સંડોવણી અને તે પછી ભારતનાં વળતા જવાબ રૂપે ઓપરેશન સિંદૂરથી અમેરિકાને માહિતગાર કરાયું હતું. કેટલાક દેશોની મુલાકાત પછી ભારતનું ડેલિગેશન અમેરિકા પહોંચ્યું હતું. ડેપ્યુટી વિદેશ પ્રધાન લેન્ડોએ ભારતીય ડેલિગેશન સાથેની મુલાકાતને શાનદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકા ભારત સાથે મજબૂતીથી ઊભું છે. બંને દેશોનાં વિકાસ અને સમૃદ્ધિ માટે વેપાર તેમજ વાણિજિયક સ્તરે સંબંધોનો વ્યાપ વિસ્તારવા બંને દેશનાં પ્રતિનિધિઓએ વ્યૂહાત્મક ચર્ચા કરી હતી. અમેરિકાનાં વિદેશ વિભાગનાં પ્રવક્તા ટેમી બૂસે પણ અમેરિકાનું ભારતને મજબૂત સમર્થન હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.