નવી દિલ્હીઃ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્રને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ના સનસનીખેજ અહેવાલ પ્રમાણે હત્યાના કાવતરામાં ભારત સંડોવાયું હોવાનો અમેરિકાની સરકારે આરોપ મૂક્યો છે. સાથે જ ભારતને આવી હિલચાલ સામે ચીમકી પણ આપી છે. જોકે આ વાત ક્યારની છે, તે અહેવાલમાં સ્પષ્ટ નથી.
આ ઘટના સાથે સંકળાયેલા અધિકારીઓએ ‘ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ને જણાવ્યું હતું કે અમેરિકન અધિકારીઓએ અમેરિકાની ધરતી પર એક શીખ અલગતાવાદીની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. કથિત રીતે આ ષડયંત્ર ભારત તરફથી રચાયું હતું અને તેના થકી પન્નુને નિશાન બનાવવાનો હતો.
આ અંગે એક કથિત આરોપી વિરુદ્ધ ન્યૂ યોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સીલબંધ કેસ દાખલ કરાયો છે પરંતુ આરોપી કોણ છે અને આરોપ શો છે, એ સીલબંધ કવર ખૂલ્યા પછી ખબર પડશે.
ભારતે તપાસ આદરી
ખાલિસ્તાની આતંકી પન્નુની હત્યાનો કારસો ઘડવાના અમેરિકી આરોપ બાદ ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, અમે સંગઠિત અપરાધો, આતંકવાદીઓ વચ્ચેની કડીની તપાસ કરીશું. વિદેશ મંત્રાલય પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, અમે આવી બાતમીને ગંભીરતાથી લઈએ છીએ. કેમ કે, તેનાથી ભારતનાં સુરક્ષાહિતોને ખતરો થઈ શકે છે. બાગચીએ કહ્યું કે, અમેરિકી આરોપોના મામલામાં અમે તપાસ કરી રહ્યા છીએ. આ મામલો બંને દેશો માટે ચિંતાનો વિષય છે.
બીજી તરફ, વ્હાઈટ હાઉસે એક નિવેદનમાં કહ્યું છે કે, અમેરિકા પોતાની ધરતી પર એક શીખ ભાગલાવાદીની હત્યાનાં પડયંત્રને ગંભીરતાથી લે છે. અમે ભારત સરકારમાં વરિષ્ઠ સ્તર પર આ મામલો ઊઠાવ્યો છે.