આને કહેવાય નસીબનો બળિયો... અમેરિકામાં એક શખસને વ્હેલ ગળી ગઈ, ૪૦ સેકન્ડ બાદ ઉલટી કરી બહાર ફેંક્યો

Thursday 17th June 2021 03:54 EDT
 
 

મેસેચ્યુસેટ્સઃ અમેરિકાનાં મેસેચ્યુસેટ્સમાં એક આશ્ચર્યજનક ઘટના બની. અહીં એક શખસને વિશાળ વ્હેલ ગળી ગઇ હતી. જોકે લગભગ ૪૦ સેકન્ડ સુધી આ શખસ વ્હેલનાં મુખમાં રહ્યો, પરંતુ બાદમાં માછલીએ તેને ઉલટી કરીને બહાર ફેંકી દીધો. ૫૬ વર્ષીય માઇકલ પૈકર્ડ છેલ્લા ૪૦ વર્ષથી લોબસ્ટર ડાઇવરનું કામ કરી રહ્યા છે, તે સમુદ્રમાં વિવિધ પ્રકારમાં જીવોને પકડે છે, અને તે માર્કેટમાં વેચીને પેટીયું રળે છે.
૧૧ જૂને સવારે માઇકલ પૈકર્ડ નિત્યક્રમ અનુસાર હેરિંગ કોવ બીચમાં સમુદ્રની સપાટીથી ૩૦ ફિટ નીચે પાણીમાં હતા, ત્યારે પૈકર્ડને લાગ્યું કે તેમની સામે બધું અંધકારમય બની ગયું છે, અને તે વ્હેલનાં લાંબા શ્વાસ દ્વારા તેના મુખમાં જઇ રહ્યા છે. તેમનો જીવ પડીકે બંધાઇ ગયો, અને તે પોતાના પરિવાર અંગે ચિતા કરવા લાગ્યા.
બાદમાં તેમને લાગ્યું કે તેમને વ્હેલનો દાંત વાગ્યો ન હતો, કે અન્ય કોઇ પણ પ્રકારની ઇજા થઇ નથી. આમ તે વ્હેલનાં મુખની બહાર નીકળવાનાં પ્રયાસ કરવા લાગ્યા. તેમના હલનચલનથી વ્હેલ પણ માથું હલાવવા લાગી, ૪૦ સેકન્ડ બાદ વ્હેલે તેને બહાર ફેંકી દીધા હતા. જ્યારે તે બહાર આવ્યો તો તેણે ફરી પ્રકાશ જોયો અને વ્હેલ પણ આજુબાજુ જોઇ રહી હતી. આ દરમિયાન તેની મદદે પહોંચી ગયેલા લોકો તરત જ
તેમને હોસ્પિટલે લઇ ગયા હતા, જ્યાં હાલ તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
આ અંગે જુક રોબિન્સન નામનાં એક નિષ્ણાતનું કહેવું છે કે બની શકે કે વ્હેલ હજુ નાની હોય, અથવા તો આ બધું ભુલથી થયું હોય, અને તેણે પૈકર્ડને બહાર ફેંકી દીધો હોય. તેમનાં મતે આવી ઘટના આ પહેલા તેમણે ક્યારેય નથી જોઇ કે સાંભળી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter