વોશિંગ્ટન: અમેરિકાના આર્કાન્સાસ પ્રાંતમાં પોલીસે એક વ્યક્તિને બેરહમીપૂર્વક ઢોરમાર માર્યો હતો. આ ઓછું હોય એમ તેને જમીન પર પછાડીને લાતો અને ઠૂંસા માર્યા હતા. એક વ્યક્તિ પર સીતમ ગુજારતી આ ઘટનાનો વીડિયો વાઇરલ થતાં જ લોકોનું રોષનું મોજું ફરી વળ્યું છે અને આ કૃત્યુમાં સંડોવાયેલા ત્રણ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 
રવિવારે આર્કાન્સાસ પ્રાંતના ક્રોફર્ડ વિસ્તારમાં આ ઘટના બની હતી. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પોલીસ નિર્દયપણે એક વ્યક્તિને માર મારી રહી હતી. તેના મસ્તક પર પણ ઠૂંસા મારીને લાતો વરસાવવામાં આવી હતી. તે સમયે મારપીટનો વીડિયો બનાવી રહેલી વ્યક્તિને એક અધિકારી વીડિયો ના બનાવવા માટે ચેતવણી આપતો પણ જોવા મળે છે. ત્રણ પોલીસ જવાન વ્યક્તિની છાતી પર ચઢી બેસીને તેની મારપીટ કરી રહ્યા હતા. એક અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું હતું કે આરોપી મલ્બરીના એક સ્ટોર કર્મચારીને ધાકધમકી આપી રહ્યો હતો. તેને પકડવા માટે પ્રયાસ થયો તો તેણે પોલીસ પર વળતો હુમલો કર્યો હતો. એક પોલીસ જમીન પર પટકાતાં બાકીના તમામ પોલીસ જવાનો આરોપી પર તૂટી પડયા હતા. ક્રોફર્ડ કાઉન્ટીના શેરીફ જિમી દમાંતેએ જણાવ્યું કે તપાસ પૂરી થવા સુધી ત્રણ પોલીસ જવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


