લંડન
કોલ સેન્ટર સ્કેમમાં સંડોવાયેલા ભારતીય નાગરિકને અમેરિકાની અદાલત દ્વારા 29 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. મોઇન ઇદરીશભાઇ પિંજારાએ 30મી નવેમ્બરે અદાલતમાં પોતાના અપરાધની કબૂલાત કરી હતી. જેલની સજા પૂરી થયા બાદ તેને દેશનિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ્રુ હેનને પિંજારાને સ્કેમનો ભોગ બનેલા લોકોને 6,35,103 ડોલર ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.
અમેરિકી એટર્ની આલમદાર એસ હમદાનીએ જણાવ્યું હતું કે, ભારત સ્થિત કોલ સેન્ટર દ્વારા ચલાવાઇ રહેલા સ્કેમમાં પિંજારા ડિસેમ્બર 2019થી જુલાઇ 2020 સુધી સંડોવાયેલો હતો. ભારત ખાતેના કોલરો અમેરિકામાં સંભવિત પીડિતોનો સંપર્ક કરતા અને તેમની પાસેથી નાણા પડાવતા હતા. પિંજારા બનાવટી ઓળખ સાથે પીડિતો દ્વારા મોકલી અપાયેલા કેશ પાર્સલને એકઠાં કરવાનું કામ કરતો હતો. સ્કેમમાં સંડોવાયેલા લોકો અમેરિકી નાગરિકોને તેમની સામે ફેડરલ એજન્ટોની તપાસ ચાલી રહી હોવાનું જણાવી નાણા પડાવતા હતા. તેઓ પીડિતોને તપાસમાંથી નામ હટાવવાના નામે પાર્સલ દ્વારા રોકડ મોકલી આપવા જણાવતા અને પિંજારા જેવા તેમના સાગરિતો અમેરિકામાં આ પાર્સલ મેળવવાનું કામ કરતા હતા. આ સ્કેમમાં સેંકડો લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી.