ઇન્ડિયાએ અબજો ડોલર લઇને પેરિસ સંધિને સમર્થન આપ્યું: ટ્રમ્પ

Thursday 08th June 2017 02:51 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા પેરિસ જળવાયુ સમજૂતીની બહાર નીકળી ગયું છે. તેના માટે અમેરિકી રાષ્ટ્ર પ્રમુખે ટ્રમ્પે બીજીએ આક્ષેપ મૂક્યો હતો કે ભારત અબજો ડોલર લઇને પેરિસ સંધિમાં જોડાયું છે. જવાબમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમે ૫ હજાર વર્ષથી પર્યાવરણની રક્ષા કરી રહ્યા છીએ. ટ્રમ્પે કહ્યું કે, સમજૂતી ભારત અને ચીન જેવા દેશો માટે ફાયદાકારક છે. ભારત અબજો ડોલરની વિદેશી મદદ લઇને સમજૂતી સાથે જોડાયું હતું. કાર્બન ઉત્સર્જન ઘટાડવા પર તેને અબજો મળશે, પણ અમેરિકન બિઝનેસ અને નોકરીઓ પર ખૂબ જ ખરાબ અસર પડશે. ટ્રમ્પે કહ્યું કે, સમજૂતી અમેરિકા માટે સજા છે. દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને સણસણતો જવાબ આપતાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં કહ્યું હતું કે, ભારતમાં ૫ હજાર વર્ષ જૂના વેદ હાજર છે. તેમાંથી અથર્વવેદ સંપૂર્ણપણે કુદરતને સમર્પિત છે. પ્રકૃતિનું શોષણ અમારા માટે ગુનો છે. તેથી અમારું મેન્યુફેક્ચરિંગ સેક્ટર જીરો ડિફેક્ટ, જીરો ઇફેક્ટ પર ચાલે છે. ભારતે અમેરિકા વિના પણ સમજૂતી સાથે જોડાયેલા રહેવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના નિર્ણયની ભારત પર કોઇ સીધી અસર તો નહીં પડે. પણ, વિદેશી મદદ અને ટેકનિક મેળવવામાં કદાચ થોડી તકલીફ થશે. આ ઉપરાંત મોદીના અમેરિકા પ્રવાસ પર પણ આ કારણે અસર પડી શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જૂનના અંતમાં પ્રસ્તાવિત મોદીનો અમેરિકા પ્રવાસ ટળે તેવી સંભાવના છે. હાલ તેમના પ્રવાસની તારીખ નક્કી થઇ નથી. અમેરિકાના નિર્ણયની વિશ્વના દેશોએ નિંદા કરી છે.

પેરિસ સમજૂતી

પેરિસ સમજૂતી વૈશ્વિક તાપમાનમાં વધારાને ૨ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવા સાથે જોડાયેલી છે. તે તમામ દેશોને વૈશ્વિક તાપમાનમાં વધારાને ૧.૫ ડિગ્રી સુધી રાખવાનો પ્રયાસ કરવા પણ કહે છે. આ પ્રસ્તાવ ગરીબ અને ખૂબ જ ગરીબ દેશોએ મૂક્યો હતો. ૧૯૦ કરતાં વધારે દેશ આ સમજૂતી સાથે સહમત છે. માત્ર નિકારાગુઆ અને સીરિયા તેની પર સહી કરી શક્યા નથી.

સમજૂતી જરૂરી

ઔદ્યોગીકરણ બાદથી ધરતીનું તાપમાન ૧ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે. વૈજ્ઞાનિકોની ચેતવણી છે કે વૈશ્વિક તાપમાનમાં ૨ ડિગ્રી સેલ્સિયસ કરતાં વૃદ્ધિથી ધરતીના જળવાયુમાં મોટું પરિવર્તન થઇ શકે છે. તેનાથી સમુદ્રનું જળ સ્તર વધવું, પૂર, ભુસ્ખલન, દુષ્કાળ, જંગલમાં આગ જેવી આફત આવી શકે છે.

ટ્રમ્પના કારણ

• મારી જવાબદારી માત્ર અમેરિકા છે. સમજૂતી અમારી અર્થવ્યવસ્થા અને સાર્વભૌમત્વને નબળું કરશે. અમે નુક્સાનની સ્થિતિમાં છીએ. એવી સમજૂતી કરવી પડશે, જે અમારા પર્યાવરણ, કંપનીઓ, અમારા લોકો અને દેશની રક્ષા કરે.

• અબજો ડોલરની વિદેશી મદદ લઇને ભારત સામેલ થયું. તેને હજુ વધારે અબજો ડોલર મળશે. તે ચીન સાથે કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સ બમણા કરી દેશે. અમેરિકાના સ્થાને તેને વધારે નાણાકીય લાભ મળશે.

• વર્તમાન સમજૂતી હેઠળ ચીન ૧૩ વર્ષ સુધી ઉત્સર્જન વધારતું રહેશે. ૧૩ વર્ષ સુધી તે મનફાવે તેમ કરશે, પણ અમેરિકા નહીં.

• એવી કોઇ સમજૂતીનું સમર્થન નહીં કરીએ, જે પર્યાવરણ સંરક્ષણમાં અગ્રણી અમેરિકાને સજા આપે, પણ સૌથી વધારે પ્રદૂષણ ફેલાવનારની કોઇ જવાબદારી નક્કી ના કરતી હોય.

ફેર વિચાર નહીં: યુએન

જળવાયુ પરિવર્તન મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શને પેરિસ સમજૂતી પર ફરીવાર વિચાર કરવાનો ઇનકાર કર્યો છે. સંસ્થાએ કહ્યું કે સમજૂતી પર ૧૯૦થી વધારે દેશોએ સહી કરી છે. કોઇ એક દેશ માટે ફરીવાર વિચાર ના કરી શકાય. સમજૂતી યુએનએફસીસીસી હેઠળ સ્વીકારાઇ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલમેક્રોએ કહ્યું છે કે, ટ્રમ્પે ઐતિહાસિક ભૂલ કરી છે. તેમણે અમેરિકાના હિતો માટે અને ધરતીના હિતો માટે ભૂલ કરી છે. અમેરિકાએ દુનિયાની અવગણના કરી છે.

યુએસને ભારતની સલાહની જરૂર નથીઃ નિક્કી

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના એમ્બેસેડર નિક્કી હેલેએ પેરિસ સંધિમાંથી અમેરિકાએ નામ પરત લેવાના ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદિત નિર્ણયને સમર્થન આપ્યું છે. વિશે નિક્કીએ કહ્યું છે કે, પેરિસ જળ વાયુ સમજૂતી વિશે અમેરિકાએ શું કરવું જોઈએ તે ભારત, ચીન અને ફ્રાન્સને પૂછવાની જરૂર નથી. અમેરિકાએ તાજેતરમાં પેરિસ સંધિમાંથી તેનું નામ પાછું ખેંચી લીધું છે. નિક્કીએ કહ્યું કે ૨૦૧૫ની પેરિસ સમજૂતી અંતર્ગત ભારતને ચીન પાસેથી અબજો ડોલર મળશે જે અમેરિકાની સરખામણીએ વધારે છે. મને લાગે છે કે, બાકીની દુનિયા અમને જણાવવા માગે છે કે અમે પર્યાવરણ નિયંત્રણ કેવી રીતે કરીએ અને મને લાગે છે કે વાત અમેરિકામાં કોઈ પણ વ્યક્તિ જણાવી શકે તેમ છે કે અમેરિકાએ શું કરવું જોઈએ.

મોદીની યુએસ મુલાકાત વિશે અટકળો

ડોનાલ્ડ ટ્રમ્પે પેરિસ સમજૂતીમાંથી અમેરિકાને બહાર કાઢી લેવાનો જે નિર્ણય કર્યો અને ભારત અંગે જે ટિપ્પણી કરી તેની અસરો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાત પર થઈ શકે છે. ટ્રમ્પના નિવેદન પછી રાજદ્વારી સ્તરે વોશિંગ્ટન અને નવી દિલ્હીના કાર્યાલયોમાં સતત ટેલિફોન રણકતાં રહ્યા હતા. ટ્રમ્પે ભારત પર સીધો આરોપ મૂકી દીધો છે કે ક્લાઈમેટ સમજૂતીમાં હસ્તાક્ષર કરવા માટે ભારતે વિકસિત દુનિયા પાસેથી અબજો ડોલર્સ મેળવવા કોશિશ કરી રહ્યું છે. મોદીની અમેરિકાની મુલાકાત ક્યારે યોજાશે તેની તારીખો નક્કી થઈ નથી પરંતુ વ્હાઈટ હાઉસે તેની સંભવિત તારીખો તરીકે ૨૬-૨૭ જૂન નક્કી રાખી છે, જે મિટિંગમાં ટ્રમ્પ અને મોદી પ્રથમવાર મળશે, પરંતુ પેરિસ ક્લાઈમેટ ચેન્જ સમજૂતીમાંથી અમેરિકાને અલગ કરવાના નિર્ણય પછી ટ્રમ્પે જે રીતે ભારતની ટીકા કરી છે તેનો પ્રભાવ ટ્રમ્પ અને મોદીની આગામી મુલાકાત પર પડી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter