વોશિંગ્ટનઃ અમેરિકામાં વસતા ભારતીય સહિતના વિદેશી નાગરિકોને અસર કરે તેવું એક મલ્ટિ-ટ્રિલિયન ડોલર ટેક્સ બ્રેક્સ પેકેજ તથા રેમિટન્સ પર 3.5 ટકા ટેક્સ લાદતું બિલ અમેરિકન સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્સ)માં પસાર થયું છે. આ બિલ 215 વિરુદ્ધ 214ની અત્યંત પાતળી સરસાઈથી જ પસાર થયું હોવાને કારણે તેને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જીત તરીકે નથી જોવાઈ રહ્યું. ટ્રમ્પના પક્ષ રિપબ્લિકન્સના જ બે સાંસદો બિલનો વિરોધ કરવા ડેમોક્રેટસ સાથે જોડાયા હતા. અગાઉ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રેમિટન્સ પર પાંચ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી.
‘વન બિગ, બ્યુટીફુલ બિલ એક્ટ’ નામથી તરીકે જાણીતા આ બિલમાં વિદેશવાસીઓ માટે રાહતની બાબત એ છે કે ટેક્સ કાપ અને ઇમીગ્રેશનને લગતી આકરી જોગવાઇઓ સામેલ કરાઇ છે. આ બિલને પસાર કરવામાં ટ્રમ્પ અને તેમના સાંસદોને આકરી કસોટીનો સામનો કરવો પડ્યો છે. હવે આ બિલ સેનેટમાં જશે. જેની પાસે બિલની જોગવાઇઓને મંજૂર કરવા કે તેમાં ફેરફારની સત્તા રહેશે. બિલની જોગવાઇ ઓવરટાઇમ વર્ક અને ટિપ્સ પર વેરાને કામચલાઉ રીતે નાબૂદ કરે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ બન્ને વચનો આપ્યા હતા.
જોકે રિપબ્લકનોમાં જ આ મામલે ભારે વિરોધ હતો. જોકે ટ્રમ્પે ખાનગીમાં સાંસદોને દબાણપૂર્વક સમજાવી દીધું કે તેઓ તેમના વાંધાઓ બાજુએ મુકી દે અથવા પરિણામો માટે તૈયાર રહે.
બીજી તરફ, ડેમોક્રેટ્સે બિલનો આકરો વિરોધ કર્યો હતો. ન્યૂ યોર્કના ડેમોક્રેટ્સ માઇનોરિટી લીડર હકીમ જેફરીઝે જણાવ્યું હતું કે ‘આનાથી બાળકોને અસર થશે. નર્સિંગ હોમ કેસ અને હોમ કેર માટે મેડિકેડ પર આધાર રાખવા વૃદ્ધ અમેરિકનોનું જીવન દુશ્કર બનશે.’
જોકે, આ કાયદાથી આગામી નાણાકીય વર્ષમાં યુએસના દેવામાં 5.2 ટ્રિલિયન ડોલરનો ઉમેરો થવાનો અને બજેટ ખાધમાં લગભગ 600 બિલિયન ડોલરનો વધારો થવાનો અંદાજ છે.
સાંસદોને મતદાન કરવાનું કહેવાયું તેના થોડાક કલાકો અગાઉ જ 1,000થી વધુ પાનાનો વિસ્તૃત દસ્તાવેજ જારી કરાયો હતો. એનો મતલબ એમ થયો કે તેમાં અન્ય જોગવાઇઓ સામેલ થઇ શકે છે અને હજી કેટલીક બાબતો શોધવાની જ બાકી છે.
એક અન્ય ફેરફારમાં ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટનો સમાવેશ થાય છે. જે 2028 સુધી વધારીને 2,500 ડોલર કરાઇ છે. પરંતુ સોશિયલ સિક્યોરિટી નંબર્સ ધરાવતા હોય તેમના બાળકોને જ લાભ મળશે. આમાં અમેરિકન નાગરિકો હોય પરંતુ દસ્તાવેજો ન હોય તેવા પરિવારો તેનાથી વંચિત રહી જશે.
ભારતીયોને 1000 ડોલર સામે
35 ડોલર વેરો ચુકવવો પડશે
આ બિલ પસાર થતાં અમેરિકામાં ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા વ્યાપી છે. આ વખતે મામલો વિઝા કે દેશનિકાલનો નથી. આ વખતે રેમિટેન્સિઝને લગતો કેસ છે. અમેરિકાના નાગરિક ન હોય તેવા લોકો જો વિદેશોમાં નાણાં મોકલશે તો તેમને તે રકમ પર 3.5 ટકા ટેક્સની ચુકવણી કરવી પડશે. મતલબ તેઓ 1,000 ડોલર મોકલે છે તો તેમને 35 ડોલર ટેક્સપેટે ચુકવવાના રહેશે. આ નોન-સિટીઝન્સમાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સ અને એચ-1બી અને એચ-2એ વિઝા પર કામ કરતાં લોકોનો પણ સમાવેશ થાય છે. આનો અમલ ચોથી જુલાઇ 2025થી થશે.