વોશિંગ્ટનઃ ઈરાન સામેના યુદ્ધની અસર અમેરિકન નાગરિકોને વરતાઈ રહી છે. પેટ્રોલ-ડીઝલ સહિતના ઈંધણ મોંઘા બન્યા હોવાથી એરલાઈન્સમાં બેગેજ, પોસ્ટલ સેવા અને એમેઝોન જેવી ઈ-કોમર્સ ડીલિવરીના ફ્યુલ સરચાર્જ અમલી થઈ ગયો છે. યુએસમાં પેટ્રોલની કિંમતો 4.09 ડોલર પ્રતિ ગેલન પહોંચી છે, જે યુદ્ધ બાદ એક ડોલરનો વધારો સૂચવે છે. ડીઝલની કિંમત 3.64 ડોલર પ્રતિ ગેલનથી વધી 5.53 ડોલર થઈ છે. કૃષિ, બાંધકામ અને ટ્રાન્સપોર્ટેશન સહિત વિવિધ ક્ષેત્રમાં ડીઝલનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. 17 એપ્રિલથી ઈ-કોમર્સ દિગ્ગજ એમેઝોને થર્ડ પાર્ટી સેલર્સ માટે 3.5 ટકા ફ્યુલ સરચાર્જ લાગુ કરવાનું વિચાર્યું છે. યુએસ પોસ્ટલ સર્વિસ દ્વારા તમામ પેકેજ અને એક્સપ્રેસ મેઈલ ડીલિવરી માટે 8 ટકા ફ્યુલ સરચાર્જ વસલ કરવામાં આવશે. પોસ્ટલ રેગ્યુલેરટી કમિશન દ્વારા મંજૂરી અપાય તો આ વધારો 26 એપ્રિલથી લાગુ થશે અને 17 જાન્યુઆરી, 2027 સુધી અમલી રહેશે.
ઈરાન સામેનું યુદ્ધ લાંબું ખેંચાય તો અમેરિકામાં પુરવઠા વ્યવસ્થામાં વિક્ષેપ થવાની આશંકાઓ પણ છે. યુએસ-ઈરાન યુદ્ધ જેટલું લાંબું ખેંચાય છે તેટલો ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં આવી રેલા વધારાની અસર અન્ય તમામ ક્ષેત્રો પર પડવાની શક્યતા છે. હોર્મુઝની ખાડીમાં નાકાબંદીના કારણે કરોડો બેરલ ક્રૂડ ઓઈલ અટવાઈ પડ્યું છે. જેની અસર વરતાવાની શરૂઆત એશિયાથી થઈ છે અને આગામી સમયમાં વિશ્વના અન્ય દેશોની કોમોડિટી સુધી તેનો વ્યાપ વધી શકે છે.


