ઈન્ડિયન ફિઝિશિયન્સ એસોસિએશન હજારો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ભારત મોકલશે

Wednesday 19th May 2021 09:41 EDT
 
 

ન્યૂ યોર્કઃ ભારતમાં કોવિડ - ૧૯ મહામારીની લહેરમાં આવેલા ઉછાળાને ડામવામાં મદદ માટે ભારતીય અમેરિકન ફિઝિશિયનોનું ગ્રૂપ હજારો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ભારત મોકલી રહ્યું છે. તાજેતરમાં રચાયેલા ફેડરેશન ઓફ ઈન્ડિયન ફિઝિશિયન્સ એસોસિએશન (FIPA) એ જણાવ્યું કે ખરીદવામાં આવેલા ૫,૦૦૦ ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ ભારત મોકલી અપાશે. તેમાંથી ૪૫૦ યુનિટ અમદાવાદ પહોંચી ચૂક્યા છે, ૩૨૫ દિલ્હી અને ૩૦૦ મુંબઈ મોકલાયા છે.
FIPAના પ્રમુખ ડો. રાજ ભાયાણીએ જણાવ્યું કે આ યુનિટ્સ ભારતીય પાર્ટનરો, હોસ્પિટલો, કામચલાઉ આઈસોલેશન સેન્ટર્સ, નવી બનાવાયેલી મોબાઈલ હોસ્પિટલો અને ચેરિટીઝને અપાશે. જેથી ભારતના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા પાર્ટનરો જરૂરિયાતવાળા કોવિડ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડી શકશે. તેમણે ઉમેર્યું કે હજુ ૩,૫૦૦ યુનિટ્સ મોકલવાના છે. તે તાત્કાલિક મોકલવામાં મદદ માટે FIPAએ ઈન્ડિયન એમ્બેસી, ઈન્ડિયન મિનિસ્ટ્રી ઓફ એવિશન અને એર ઈન્ડિયાનો સંપર્ક સાધ્યો છે. તેમણ ઉમર્યું કે કોમ્યુનિટી સંસ્થા ઈન્ડિયન અમેરિકન્સ ઈન ગ્રેટર બોસ્ટને ભારતમાં કોવિડ – ૧૯ની પરિસ્થિતિમાં મદદરૂપ થવા ફંડ એકત્ર કરવા માટે 5K વર્ચ્યુઅલ વોક/રનનું આયોજન કર્યું હતું.  
કેરાલા એસોસિએશન ઓફ કનેક્ટિકટ દ્વારા પણ ૫,૦૦૦ ડોલર એકત્ર કરવા ફંડ રેઝર કેમ્પેન શરૂ કરાયું છે. તેમાં એકત્ર થયેલી રકમનો ઉપયોગ ગીવ ઈન્ડિયા પ્લેટફોર્મ અને તેમના કોમ્યુનિટી પાર્ટનર્સ મારફતે હોસ્પિટલોને ઓક્સિજનેટર્સ પૂરા પાડવામાં થશે.  
ગઈ ૮ મેએ વંદના કર્નાએ ગ્રામીણ બિહારમાં લોકોની જીંદગી બચાવવા ફંડરેઝિંગ કેમ્પેન Bihar Aid હાથ ધર્યું હતું. તેમાં થોડા કલાકોમાં જ ૧૦,૦૦૦ ડોલર એકત્ર કરવાનું લક્ષ્ય હાંસલ કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter