એજ્યુનોવાના સ્થાપક ભારતવંશી દંપતી અને પુત્રીએ જીવન ટૂંકાવ્યું

Saturday 06th January 2024 08:09 EST
 
 

ન્યૂ યોર્ક: યુએસમાં ભારતીય-અમેરિકન મૂળના પરિવારના ત્રણ સભ્યો 57 વર્ષના રાકેશ કમલ, તેમના 54 વર્ષના પત્ની ટીના અને તેમની 18 વર્ષની પુત્રી આરિયાનાના મૃતદેહો મેસેચ્યુસેટ્સ રાજ્યના નોરફોર્ક જિલ્લામાં ડોવર વિસ્તારમાં આવેલાં પાંચ મિલિયન ડોલરના તેમના વૈભવી નિવાસસ્થાનમાંથી 28 ડિસેમ્બરે સાંજે મળી આવ્યા હતા. રાકેશ કમલના મૃતદેહ પાસેથી ગન મળી આવી હોવાથી નાણાકીય ભીંસને કારણે પરિવારે સામૂહિક આત્મહત્યા કરી હોવાની અટકળો થઇ રહી છે.
નોરફોક ડિસ્ટ્રિકટ એટર્નીએ જણાવ્યું હતું કે આ ઘરેલૂ હિંસાનો કેસ જણાય છે જેમાં બહારની કોઇ વ્યક્તિ સંડોવણી જણાતી નથી. ઘણાં દિવસથી આ પરિવારના સમાચાર ન મળતાં તેમના એક સગાંએ તેમના ઘરની મુલાકાત લેતાં આ ઘટના પ્રકાશમાં આવી હતી જેમણે ફોન કરી આ બાબતની જાણ પોલીસને કરી હતી.
ભારતથી આવેલાં રાકેશ કમલે ટેક ઇન્ડસ્ટ્રીમાં ઝળહળતી સફળતા મેળવી એજ્યુનોવા નામની એજ્યુકેશન સિસ્ટમ કંપની સ્થાપી હતી. આ કંપની હવે નાદાર થઇ ચૂકી છે. રાકેશ કમલે બોસ્ટન યુનિવર્સિટી અને એમઆઇટી સલોન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. રિક અને ટીનાના નામે જાણીતા આ દંપતીએ 2016માં એડટેક કંપની એજ્યુનોવા શરૂ કરી હતી.
એજ્યુનોવા કંપની દ્વારા સ્ટુડન્ટ સકસેસ સિસ્ટમ ડિઝાઇન કરવામાં આવી હતી. જેના દ્વારા મીડલ સ્કૂલ, હાઇ સ્કૂલ અને કોલેજમાં તેમના ગ્રેડ સુધરતાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
શરૂઆતમાં કંપનીનો કારોબાર સારો ચાલતાં કમલે 2019માં ચાર મિલિયન ડોલરમાં 19000ચોરસ ફૂટમાં પથરાયેલાં 11 બેડરૂમ્સ ધરાવતું વૈભવી ડોવર મેન્શન ખરીદ્યું હતું, પણ ડિસેમ્બર 2021માં કંપનીનું વિસર્જન કરી નંખાયું હતું. દંપતી માટે આ નાણાંભીડની શરૂઆત હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter