એડિસનના મેયરપદ માટે સેમ જોશીનો ન્યૂ જર્સી પ્રાઈમરીમાં વિજય

Tuesday 15th June 2021 14:31 EDT
 
 

ન્યૂ જર્સીઃ એડિસનના મેયર બનવાની સ્પર્ધામાં ભારતીય અમેરિકન સેમ જોશીનો ૮ જૂને યોજાયેલી ડેમોક્રેટિક પ્રાઈમરીમાં વિજય થયો હતો.
તે દિવસે ન્યૂ જર્સી અને વર્જિનિયામાં ઘણી ચૂંટણી યોજાઈ હતી. આ તમામ પ્રાથમિક ચૂંટણીમાં એડિસનના મેયરપદ માટેની સ્પર્ધા ખૂબ રસાકસીભરી રહી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ ઉમેદવારોમાં સેમ જોશી અને ભારતીય અમેરિકન મહેશ ભાગિયા તથા આર્થર એસ્પોસિટો હતા.  
જોશીનો ૫,૯૯૫ મત સાથે વિજય થયો હતો તેમને ૬૧.૬ ટકા મત મળ્યા હતા. બીજા સ્થાને રહેલા ભાગિયાને ૩૨.૭ ટકા સાથે ૩,૧૮૫ મત મળ્યા હતા. એસ્પોસિટોને ૫.૬ ટકા સાથે માત્ર ૫૪૬ મત મળ્યા હતા. સેમ જોશીએ તેમની ટીમનો અને ખાસ કરીને એડિસનના લોકોનો આભાર માન્યો હતો.
જોશીનો જન્મ અને ઉછેર એડિસનમાં થયો છે અને હાલ તેઓ ન્યૂ જર્સીમાં પાંચમી સૌથી મોટી મ્યુનિસિપાલિટી એડિસન ટાઉનશીપમાં કાઉન્સિલ વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે.  
હવે જનરલ ઈલેક્શનમાં જોશીનો મુકાબલો રિપબ્લિકન પાર્ટીના ડબલ્યુ. કીથ હાન સાથે થશે.
એડિસન કાઉન્સિલ પ્રાઈમરીની ત્રણ બેઠકોમાં ડેમોક્રેટિક પાર્ટીના નિશીથ પટેલ સૌથી વધુ મત સાથે અને તે પછીના ક્રમે માર્ગોટ હેરિસ અને જહોન પોયનર જનરલ ઈલેક્શન તરફ આગળ વધ્યા હતા. સ્પર્શીલ પટેલ છઠ્ઠા ક્રમે રહ્યા હતા અને આગળ વધી શક્યા નથી. GOPના ત્રણ ઉમેદવારોમાં પાયલ મહેતા એક હતા અને તે ત્રણે આગળ વધ્યા હતા.  
ન્યૂ જર્સી સ્ટેટ સેનેટની સ્પર્ધામાં ડેમોક્રેટિક ઉમેદવાર વીન ગોપાલ ૧૧મા લેજિસ્લેટિવ ડિસ્ટ્રિક્ટમાં અને રિપબ્લિકન ઉમેદવાર આગા ખાન ૩૩મા ડિસ્ટ્રિક્ટમાં બિનહરિફ આગળ વધ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter