એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

Tuesday 29th April 2025 14:31 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને કારણે એપલ ચીન પરનીની ઉત્પાદન નિર્ભરતા ઘટાડવા માંગે છે.
ટ્રમ્પે ભારતથી આયાત પર 26 ટકા ટેરિફ લગાવ્યો છે જ્યારે ચીન પર 145 ટકા. વિશ્વના ચાર સૌથી મોટા સ્માર્ટફોન નિર્માતા ચીન, ભારત, વિયેતનામ અને સાઉથ કોરિયા છે. અત્યારે 80 ટકા આઈફોન ચીનમાં અને 20 ટકા ભારતમાં બને છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં બનનારા 23.31 કરોડ આઇફોનમાંથી અંદાજે 6 કરોડ એટલે કે 28 ટકા માત્ર અમેરિકાને જ વેચાય છે.
1000થી વધુ ભાગોની આયાત
આઈફોનનું ઉત્પાદન એક અત્યંત જટિલ પ્રક્રિયા છે, જેમાં વિશ્વભરમાંથી 1,000 થી વધુ ભાગો આયાત કરવામાં આવે છે. એપલ તેના ઉત્પાદનની વિગતો ગુપ્ત રાખે છે, પરંતુ નિષ્ણાતોના મતે, લગભગ 90 ટકા આઈફોન ચીનમાં એસેમ્બલ થાય છે. નવી યોજના ભારતમાં એસેમ્બલી ક્ષમતા બમણી કરતાં વધુ કરશે. ફોક્સકોન હાલમાં ભારતમાં 67 ટકા આઈફોન બનાવે છે. જ્યારે ટાટાની માલિકીની પેગાટ્રોન 17 ટકા બનાવે છે. બાકીના 16 ટકા ઉત્પાદન ટાટા ઈલેક્ટ્રોનિક્સ દ્વારા કરાય છે.
ગૂગલની પણ ભારત પર નજર
ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈન્ક પણ તેના પિક્સેલ સ્માર્ટફોનનું ઉત્પાદન વિયેતનામથી ભારતમાં ખસેડવાનું વિચારી રહી છે. આ માટે બે અઠવાડિયા પહેલા જ આલ્ફાબેટ ઈન્ક.ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ડિક્સન ટેકનોલોજી અને ફોક્સકોન સાથે ચર્ચા કરવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter