એફબીઆઇએ ટ્રમ્પ સામેની તપાસની એફિડેવિટમાં કાશ પટેલનું નામ સમાવ્યું

કાશ પટેલે કહ્યું, એફબીઆઇએ ઇરાદાપુર્વક મારા જીવને જોખમમાં મૂક્યો છે

Wednesday 31st August 2022 06:17 EDT
 
 

લંડન

ઓગસ્ટના પ્રારંભે માર-એ-લાગોમાં ડોનાલ્ડ ટ્રમ્પના નિવાસસ્થાને એફબીઆઇ દ્વારા પડાયેલા દરોડાને સંલગ્ન એફિડેવિટમાં નામ આવ્યું હોવાના કારણે ડોનાલ્ડ ટ્રમ્પના સાથી કાશ પટેલે તેમના જીવન પર જોખમ હોવાનો ભય વ્યક્ત કર્યો છે. પટેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બ્રાઉન લાઇવ્ઝ મેટર. એફબીઆઇએ અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ જોવાયેલા સર્ચ વોરન્ટમા મારું નામ સામેલ કરીને ઇરાદાપુર્વક મારી સુરક્ષાને જોખમમાં મૂકી છે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને એફબીઆઇએ ભયાનક પગલાં લઇને મારા જીવન પર જોખમ સર્જ્યું છે. પેન્ટાગોનમાં ઉચ્ચ અધિકારી રહી ચૂકેલા કાશ પટેલે દસ્તાવેજોના મામલે જાતે જ પોતાને જાહેર કરી દીધાં હતાં. એફબીઆઇના દરોડા બાદ કાશ પટેલ ઉતાવળે ડોનાલ્ડ ટ્રમ્પનો બચાવ કરવા આગળ આવ્યા હતા. કાશ પટેલ અને ટ્રમ્પે ઇન્ટર્વ્યુઓમાં જણાવ્યું હતું કે, વ્હાઇટ હાઉસમાંથી લઇ જવાયેલા દસ્તાવેજો ગુપ્ત નહોતાં. પટેલે તેમના ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, અમે આ માહિતી જાહેર કરીએ છીએ એવું ટ્રમ્પે કહ્યું ત્યારે હું તેમની સાથે જ હતો. પરંતુ તેમના દ્વારા આ બાબતને સમર્થન આપતા કોઇ પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પે દસ્તાવેજોને ડિક્લાસિફાઇ કરતાં પહેલાં એક પ્રોસેસ અનુસરવાની હતી અને તેની માહિતી અન્ય અધિકારીઓને આપવાની હતી પરંતુ તેમણે આવી કોઇ પ્રોસેસ કર્યાના પુરાવા નથી. વ્હાઇટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમને આ અંગે કોઇ જાણ નથી.

કાશ પટેલ ભાદરણના વતની 

ઉલ્લેખનીય છે કે કાશ પટેલ મૂળે મધ્ય ગુજરાતના ભાદરણના વતની છે. પ્રતિભાશાળી કાશે બહુ જ નાની વયે સફળતાના શીખરો સર કરીને પોતાના ક્ષેત્રે આગવી ઓળખ મેળવી છે. વહીવટી કૂનેહ અને રાજકીય સૂઝબૂઝ ધરાવતા કાશ પટેલે યુવા વયે ટ્રમ્પ સરકારમાં મહત્ત્વનું સ્થાન સંભાળ્યું હતું. તેમણે કાર્યભાર સંભાળ્યા બાદ એક માત્ર ‘ગુજરાત સમાચાર’ને એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપ્યો હતો તે નોંધનીય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter