એમેઝોન, ફેડેક્સ કાર્ગો ટ્રેનોમાં લૂંટ, ખાલી પાર્સલ પાટા પર ફેંક્યા

Wednesday 19th January 2022 06:59 EST
 
 

લોસ એન્જલસઃ લોસ એન્જલસમાં રોજ સંખ્યાબંધ કાર્ગો ટ્રેનના ડબ્બાઓ પર ચોર ત્રાટકી રહ્યા છે. અમેરિકામાં અધિકારીઓ માટે એમેઝોન અને અન્ય કુરિયર પેકેજોની ચોરીની ઘટનાઓ ચિંતાનું કારણ બની છે. જ્યારે ઓનલાઈન ઓર્ડર કરનારા લોકોના ઘરના દરવાજા પરથી પાર્સલ  ગાયબ થઈ જતા હોય, ત્યારે રસ્તામાં તેમની ચોરી થવી એ અધિકારીઓ માટે વધુ મુશ્કેલી ઉભી કરી રહ્યું છે.
અહેવાલોના આંકડા અનુસાર, લોસ એન્જલસ કાઉન્ટીમાં ૨૦૨૧ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં દરરોજ સરેરાશ ૯૦થી વધુ કન્ટેનરમાં તોડફોડ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ અને સુરક્ષા એજન્ટોએ ૨૦૨૧ના છેલ્લા ત્રણ મહિનામાં યુનિયન પેસિફિક ટ્રેનોમાં ચોરી અને તોડફોડના આરોપમાં ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.
અમેરિકાના લોસ એન્જલસમાં આવી ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. ચોરો મોટાભાગે ઓનલાઈન ઓર્ડર કરાયેલી પ્રોડક્ટ્સને નિશાન બનાવે છે. ઓર્ડર લોકો સુધી પહોંચે તે પહેલા જ ચોરાઈ જાય છે. ઉપરાંત, સામાન બહાર કાઢ્યા પછી, તેઓ તેના પેકેટ અને કાર્ડ રેલવે ટ્રેક પર જ ફેંકી દે છે. દરરોજ ચોરો ડઝનેક ડિલિવરી વાહનોમાં ચોરી કરે છે.
આવી ઘણી કંપનીઓના ટેગ શુક્રવારે શહેરના સિટી સેન્ટર નજીક એક ટ્રેક પર ફેંકવામાં આવ્યા હતા. તેમાં Amazon, Target, UPS અને FedEx જેવી કંપનીઓના પેકેટ્સ અને ટેગ્સનો સમાવેશ થાય છે.
તાજેતરમાં આવા અનેક ચોરીના કિસ્સાઓ સામે આવ્યા છે. ચોરો જ્યાં સુધી ગુડ્ઝ ટ્રેનો પાટા પર ઉભી ન રહે ત્યાં સુધી રાહ જુએ છે. ટ્રેન ઉભી રહે કે તરત જ ચોરો કાર્ગો કન્ટેનર પર ચઢી જાય છે. બોલ્ટ કટરની મદદથી તેના તાળા સરળતાથી તોડી નાખે છે અને પછી તેઓ ચોરી કરે છે. કોવિડ-૧૯ ટેસ્ટ કીટ, ફર્નિચર અથવા દવાઓ જેવી જે પ્રોડક્ટ્સ લઈ જવી અથવા ફરીથી વેચવી મુશ્કેલ હોય અથવા ખૂબ સસ્તી હોય. તે ચોરો લઈ જતા નથી. રેલ ઓપરેટર યુનિયન પેસિફિકે ડિસેમ્બર ૨૦૨૦થી લોસ એન્જલસ કાઉન્ટીમાં ચોરીની ઘટનામાં ૧૬૦ ટકાનો વધારો જોયો છે. સ્થાનિક અધિકારીઓને લખેલા એક પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઓક્ટોબર ૨૦૨૦ની સરખામણીમાં ઓક્ટોબર ૨૦૨૧માં જ ૩૫૬ ટકાનો વધારો જોવા મળ્યો છે. પત્રમાં જણાવાયું છે કે લૂંટ, ચાલતી ટ્રેનમાં ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter