વોશિંગ્ટનઃ અમેરિકામાં ત્રણ ભારતવંશીઓના અપમમૃત્યુના સમાચારે સમુદાયમાં શોકની લાગણી ફેલાવી છે. એરિઝોના સ્ટેટમાં કોકોનીનો કાઉન્ટીમાં આવેલા વુડ્સ કેન્યન લેકમાં આ દુર્ઘટના બની હતી. ભોગ બનેલા ભારતવંશીઓમાં બે પુરુષો અને અને એક મહિલાનો સમાવેશ થાય છે. 26 ડિસેમ્બરે બપોરે આ ત્રણેય બરફથી થીજી ગયેલા તળાવમાં પડી ગયા હતાં અને ડૂબવા લાગ્યા હતાં. રાહત અને બચાવ કર્મીઓએ તેમને કાઢવાના પ્રયત્નો કર્યા હતાં પરંતુ કોઇને પણ બચાવી શકાયા ન હતાં. પોલીસના જણાવ્યા અનુસાર બચાવ કર્મીઓની લાંબી તપાસ પછી આ ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમાંથી બે 49 વર્ષીય નારાયણ મુદ્દાના અને 47 વર્ષીય ગોકુલ મેદિસિટી મૃત્યુ પામ્યા હતા. એકમાત્ર મહિલા હરિતા મુદ્દાનાને જીવિત બહાર કાઢવામાં આવ્યા હતાં. રાહત અને બચાવ કર્મીઓએ તેમના પ્રાણ બચાવવાના અનેક પ્રયત્નો કર્યા હતાં પણ ભયાનક ઠંડીને કારણે તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા. પોલીસ સ્ટેટમેન્ટ અનુસાર, આ ત્રણ પીડિત એરિઝોનાના શેન્ડલરના રહેવાસી હતાં અને મૂળ ભારતીય હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના બની ત્યારે સબસ્ટેશન પર હાજર બે પોલીસ કર્મચારીઓને આની માહિતી મળી કે તરત જ તળાવમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ કરી દેવાયા હતા.
ઉલ્લેખનીય છે કે અમેરિકા અને કેનેડામાં હાલમાં ભીષણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક રાજ્યોમાં તાપમાનનો પારો શૂન્યથી નીચે જતો રહ્યો છે. કેટલાક સ્થળોએ બોમ્બ સાઇક્લોનની સ્થિતિ પેદા થઇ ગઇ છે. જેના કારણે રાજ્યોમાં બરફવાળા પવનોનો પ્રકોપ વધી ગયો છે. કારણે અમેરિકામાં 60થી વધુ લોકોનાં મોત થયા છે.