એલન મસ્કની xAIમાં ટોચના સ્થાને ભારતીય ત્રિપુટી

Wednesday 15th April 2026 06:46 EDT
 
 

વોશિંગ્ટનઃ સિલિકોન વેલીથી લઈને ટેસ્લા, સ્પેસએક્સ સુધીની કંપનીઓમાં ભારતવંશી એન્જિનીયરોની આઇટી સ્કીલની ડિમાન્ડ વધી છે. ભારતીય ટેક પ્રોફેશનલ્સ તેમના કૌશલ્ય, કાર્યનિષ્ઠા અને સમસ્યા ઉકેલવાના અભિગમ સાથે મોટો પ્રભાવ પાડી રહ્યા છે. અનેક અહેવાલો સૂચવે છે કે યુએસ ટેક ઉદ્યોગમાં ભારતીય એન્જિનીયરો સૌથી વિશ્વસનીય અને ઝડપથી વિકસતા ટેલેન્ટ ગ્રૂપમાં સામેલ છે. જોકે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે ભારતના પ્રોફેશનલન્સનું પ્રભુત્વ જોઈને ભડકે છે. આ જ કારણ છે કે તેઓ અવારનવાર H-1B વિઝાનો મુદ્દો છંછેડી રહ્યા છે.
સિક્કાની બીજી બાજુ એ છે કે અમેરિકન કંપનીઓ સતત પ્રતિભાની શોધમાં હોય છે. ભારતના યુવા આઇટી પ્રોફેશનલ્સની સ્કિલથી આ કંપનીઓ પ્રભાવિત છે તે એેમની પસંદગીનાં ધોરણો પરથી ખબર પડે છે. ઊંચી બુદ્ધિ પ્રતિભા ધરાવતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મોટી કંપનીઓ સામેથી શોધતી આવે છે.
એલન મસ્ક પોતાની એઆઈ કંપની xAIમાં મોટો ફેરબદલ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે તેમણે ભારતીય મૂળના ત્રણ એન્જિનીયરો - દેવેન્દ્ર ચપલોટ, અમન મદાન અને આદિત્ય ગુપ્તાને મોડેલ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટમાં મુખ્ય ભૂમિકામાં જવાબદારી સોંપી છે.
આ ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે SpaceX તેના આઇપીઓની તૈયારી કરી રહ્યું છે અને xAI તેની કામગીરી સુધારવા તથા અન્ય મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે કમર કસી રહ્યું છે.
એક અહેવાલ મુજબ, એન્જિનિયરિંગ પાસાંમાં સુધારો કરવા માટે ભારતીય મૂળના આ ત્રણ પ્રોફેશનલ્સને ટોપની પોસ્ટ પર મૂકવામાં આવ્યા છે.
આ ત્રણ પૈકીના દેવેન્દ્ર ચપલોટ ટીમનું નેતૃત્વ કરશે. આ એ તબક્કો છે જ્યાં એઆઇ મોડેલ્સ વિશાળ ડેટાસેટ્સ (ટેક્સ્ટ, ઈમેજ અને કોડ)માંથી સામાન્ય પેટર્ન શીખે છે. દેવેન્દ્ર અગાઉ ફેસબુક અને થિંકિંગ મશીન્સ લેબ્સમાં સંશોધક તરીકે કામ કરી ચૂક્યા છે.
અમન મદાન મોડેલ ફેક્ટરી અને ટૂલિંગનો હવાલો સંભાળશે. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા પાઈપલાઈન અને ટ્રેનિંગ વર્કફ્લોની દેખરેખ રાખવાનો સમાવેશ થાય છે, જે AI સિસ્ટમ બનાવવા માટે અનિવાર્ય છે.
આદિત્ય ગુપ્તાને પોસ્ટ-ટ્રેનિંગ અને રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ભૂમિકા ડેવલપમેન્ટના અંતિમ તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ ફેરબદલ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે xAIના 11 સહ-સ્થાપકોએ કંપની છોડી દીધી છે, અને પરિસ્થિતિને સંભાળવા માટે ટેસ્લા અને SpaceXના નવા નિમાયેલા એન્જિનિયરોને પાલો અલ્ટો ઓફિસમાં લાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર ચપલોટે જાહેરાત કરી કે તેઓ સ્પેસએક્સ અને xAIમાં જોડાઈ રહ્યા છે અને સુપરઈન્ટેલિજન્ટ સિસ્ટમ બનાવવા માટે એલન મસ્ક અને તેમની ટીમ સાથે મળીને કામ કરશે, ત્યારે સોશિયલ મીડિયા પર ફરી એકવાર એવી ચર્ચા શરૂ થઈ કે અમેરિકામાં ટેકનોલોજીની તમામ નોકરીઓ ભારતીયો પાસે જઈ રહી છે.
આ જાહેરાત સાથે મસ્ક સાથેનો તેમનો ફોટો પણ હતો, જેના કારણે મસ્ક પર ફરી એકવાર ભારતીયોની નિમણૂક કરવા બદલ ટીકાઓ થઈ હતી. સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ એલન મસ્કની મજાક ઉડાવતા કહ્યું કે, તેઓ બહુ સાંસ્કૃતિકવાદ અને સામૂહિક સ્થળાંતર સામે રક્ષણ આપવાની
વાત કરે છે અને બીજી જ મિનિટે ભારતીયની નિમણૂક કરે છે. એલન મસ્ક H-1B
વિઝા પ્રોગ્રામના મજબૂત સમર્થક રહ્યા છે, જેના પર સિલિકોન વેલીની કંપનીઓ મોટાભાગે નિર્ભર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter