વોશિંગ્ટન: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને સ્પેસએક્સના માલિક એલન મસ્ક અને તેમની ભારતવંશી પાર્ટનર શિવોન જિલિસનો સંબંધ અચાનક સમાપ્ત થયો છે. ન્યૂરાલિંકની સિનિયર એક્ઝિક્યુટીવ શિવોને મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રેમભર્યા સંબંધમાંથી અચાનક અલગ થવું મુશ્કેલ છે, પણ જીવન ક્યારેક એવી પરિસ્થિતિ સામે લાવે છે.
આ સાથે જ શિવોન જિલિસે એ પણ સ્પષ્ટ કર્યું કે સંબંધ સમાપ્ત થયા પછી પણ તે અને મસ્ક સારા મિત્રો બની રહેશે તેમજ બાળકોના વાલી તરીકેની સહિયારી જવાબદારી નિભાવતા રહેશે. શિવોનના જણાવ્યા મુજબ આ અલગાવ કોઈ લાંબી ખેંચતાણ પછી નહિ, પણ અચાનક થયો છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં શિવોને આ પરિવર્તનને ભાવનાત્મક રીતે મુશ્કેલ ગણાવ્યું હતું.
શિવોનની માતા પંજાબના વતની
શિવોન ભારતીય અને કેનેડિયન મૂળ ધરાવે છે. શિવોનના માતા શારદા જિલિસ ભારતના પંજાબના વતની છે જ્યારે પિતા રિચાર્ડ જિલિસ કેનેડિયન શ્વેત છે. આમ શિવોન ભારત અને કેનેડાનો સાંસ્કૃતિક વારસો ધરાવે છે, પણ તેમનો ઉછેર કેનેડાના ઓન્ટેરિયોમાં થયો છે. મસ્કે અગાઉ એક મુલાકાતમાં તેમની પાર્ટનર અડધી ભારતીય હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમના એક પુત્રનું નામ ભારતીય ભૌતિકશાસ્ત્રી સુબ્રહ્મણ્યમ ચંદ્રશેખરના નામ પરથી શેખર રાખવામાં આવ્યું છે. ફેબ્રુઆરી 2025માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમ્યાન મસ્ક અને શિવોને બાળકો સાથે તેમની મુલાકાત પણ કરી હતી.


