વોશિંગ્ટનઃ સ્પેસએક્સ અને ટેસ્લાના માલિક એલોન મસ્કે વિશ્વના સૌપ્રથમ ટ્રિલિયોનેર તરીકેનું ટેગ ગુમાવ્યું છે. સ્પેસએક્સના શેરનું ઊંચા ભાવે નાસ્ડેકમાં લિસ્ટીંગ થયા બાદ સતત ઘટાડો ચાલુ રહેતા બે જ દિવસમાં મસ્કની સંપત્તિમાં 265 બિલિયન ડોલરનો કડાકો બોલ્યો હતો. તેથી મસ્કની સંપત્તિ 1.28 લાખ કરોડ ડોલરની ટોચથી ઘટીને હવે 957 બિલિયન ડોલર રહી ગઈ છે. અલબત્ત, મસ્ક ટ્રિલિયોનેર રહ્યા ન હોવા છતાં પણ વિશ્વના ટોચના બિલિયોનેર તો છે જ.
મસ્કની સંપત્તિ લિસ્ટીંગ પછીના પહેલા દિવસે 147 બિલિયન ડોલર અને બીજા દિવસે 118 બિલિયન ડોલર ઘટી. આમ ભારતના બિલિયોનેર મુકેશ અંબાણીની જેટલી સંપત્તિ છે તેટલી સંપત્તિનો કડાકો મસ્કે એક જ દિવસમાં નોંધાવ્યો હતો. સ્પેસએક્સનો ભાવ 224ની ટોચથી નીચે 147 ડોલર પર આવી જતાં તેમની સંપત્તિ ઘટી હતી. એશિયાના ટોચના બિલિયોનેરની સંપત્તિ હાલમાં 117 બિલિયન ડોલર છે. મસ્કને ટ્રિલિયોનેર બનાવવામાં સ્પેસએક્સના આઇપીઓની મહત્ત્વની ભૂમિકા હતી. તેમની પાસે સ્પેસએક્સના લગભગ 4.76 બિલિયન શેર છે. આમ સ્પેસએક્સના શેરના ભાવમાં નાનો-મોટો ઘટાડો પણ તેમની કુલ સંપત્તિમાં તીવ્ર વધઘટ દર્શાવશે.


