વોશિંગ્ટનઃ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લગાવેલા નવા નિયંત્રણો હટાવ્યાના એક સપ્તાહમાં ટ્રમ્પ સરકારે ૨૫મી જુલાઈએ જાહેરાત કરી કે ફોલ સેમેસ્ટરમાં સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમ ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ અપાશે નહીં. કોલેજ સત્તાવાળાઓને પાઠવેલા પરિપત્રમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટે જણાવ્યું કે, જે નવા છાત્રોએ ૯ માર્ચ સુધીમાં શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો નથી અને જેમના અભ્યાસક્રમ સંપૂર્ણ ઓનલાઇન છે તેવા વિદેશી વિદ્યાર્થીઓને વિઝા જારી કરાશે નહીં. સરકારના આ નિર્ણયથી સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમ ઓફર કરતી યુનિ.માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદેશી વિદ્યાર્થીઓ પર અસર થશે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ વિભાગે હાલ અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓને મોટી રાહત આપતાં જણાવ્યું કે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકામાં છે અથવા તો સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા પરત ફરવા ઇચ્છે છે તેમને સંપૂર્ણ ઓનલાઇન અભ્યાસક્રમની પરવાનગી મળશે. હાલ તેમની કોલેજોએ ઇન પર્સન ક્લાસિસ આપ્યા હોય અને કોરોના વકરે અને આ ક્લાસિસ ઓનલાઇન થાય તો પણ તેઓ અમેરિકામાં રહીને અભ્યાસ કરી શકશે.