વોશિંગ્ટનઃ ઓપરેશન સિંદૂર વખતે ભારતનાં શક્તિશાળી મિસાઇલ્સ ‘બ્રહ્મોસ’ની તાકાત જોઈને દુશ્મન દેશ પાકિસ્તાન જ નહીં, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચોંકી ગયા હતા. ભારત દ્વારા પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો નાશ કરવા તેમજ લશ્કરી અને અણુ મથકોનો સફાયો કરવા માટે પાકિસ્તાનના અંતરિયાળ વિસ્તારોમાં જઈને પ્રહાર કરી શકે તેવા ‘બ્રહ્મોસ’ મિસાઇલ્સ છોડાયા હતા. આ જોઇને ટ્રમ્પને આશંકા હતી કે ભારત ક્યાંક તેનાં આ શક્તિશાળી મિસાઈલ્સને અણુશસ્ત્રોથી સજ્જ કરશે તો ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. તેમને ભારત-પાક. વચ્ચે અણુયુદ્ધ ફાટી નીકળવાનો ડર હતો. ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ના એક અહેવાલમાં આ ખુલાસો કરાયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ટ્રમ્પ સરકારનાં હાલનાં તેમજ પૂર્વ અધિકારીઓ તેમજ અમેરિકાની ગુપ્તચર સંસ્થાઓએ ‘બહ્મોસ’ મિસાઇલ્સને એક એવું શસ્ત્ર માન્યું હતું કે તે અણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ છે. ટ્રમ્પને ચિંતા હતી કે જો વાત વણસી જશે તો ભારત તેનાં દ્વારા અણુ હથિયારો છોડી શકે છે. જવાબમાં પાક. પણ અણુ હુમલો કરી શકે છે. આમ ડરના કારણે ટ્રમ્પે યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ અને વિદેશ પ્રધાન માર્કો રૂબિયોને ભારત અને પાક.નાં નેતાઓ સાથે વાત કરવા કહ્યું હતું.