ઓપીટી વિઝા પ્રોગ્રામ ફ્રોડઃ ભારતીય સહિત 10 હજાર વિદેશી વિદ્યાર્થી તપાસના ઘેરામાં

Saturday 23rd May 2026 06:14 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકાના ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE - ‘આઇસ’) એ ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (ઓપીટી) પ્રોગ્રામ હેઠળ કામ કરતા લગભગ 10 હજાર વિદેશી વિદ્યાર્થીઓ સામે તપાસ શરૂ કરી છે. તેમાં ભારતીયો સામેલ છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા મુજબ અનેક વિદ્યાર્થીઓ એવી કંપનીઓ સાથે જોડાયેલા જોવા મળ્યા છે, જ્યાં હકીકતમાં કોઈ કામ થતું જ નહોતું. આમ ઓપીટી કાર્યક્રમને ગેરરીતિઓ માટેનું કેન્દ્ર ગણાવ્યો હતો.
રિપોર્ટ મુજબ, તપાસ દરમિયાન અધિકારીઓને ઘણા સરનામાં પર બંધ બિલ્ડિંગ, ખાલી ઓફિસ અથવા રહેણાંક મકાનો મળ્યા હતા. કેટલાક સરનામાં પર એક જ જગ્યાએ અનેક કંપનીઓ નોંધાયેલ હોવાનું પણ બહાર આવ્યું છે. ટેક્સાસ સહિતના વિસ્તારોમાં કરાયેલી સાઈટ વિઝિટ દરમિયાન ઘોસ્ટ ઓફિસ અને શેલ કંપનીઓ સામે આવી હતી. કેટલાક કેસોમાં અમેરિકામાં નોંધાયેલી કંપનીઓનું મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું સામે આવ્યું હતું.
ઓપીટીના નિયમો મુજબ તાલીમ અને દેખરેખ અમેરિકામાં જ હોવી જોઈએ. કેટલીક કંપનીઓ પાસે માત્ર ત્રણ કર્મચારીઓ હતા. પરંતુ, રેકોર્ડમાં 500થી વધુ વિદ્યાર્થીઓ જોડાયેલા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે ઓપીટી કાર્યક્રમ અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્ક વિઝા તરફ જવાનો મહત્વનો માર્ગ માનવામાં આવે છે. આંકડા મુજબ છેલ્લા વર્ષોમાં 68 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઓપીટી હેઠળ અમેરિકામાં કામ કરતા હતા. એમેઝોન, ગૂગલ, માઈક્રોસોફ્ટ અને ડેલોઈટ જેવી મોટી કંપનીઓ ઓપીટી મેદવારોને નોકરી આપતી રહી છે.
તપાસ દરમિયાન વિઝા ગેરરીતિ ઉપરાંત નાણાકીય ગેરવહીવટ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પણ સામે આવ્યા છે. જોકે કેટલા ભારતીય વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થશે તેની માહિતી જાહેર કરાઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter