લોસ એન્જલસઃ કેલિફોર્નિયાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં રવિવારે રાત્રે ભારે ઝાકઝમાળ વચ્ચે યોજાયેલા ઓસ્કર એવોર્ડ્ઝ સેરેમનીમાં છ એવોર્ડ મેળવીને ‘ડ્યૂક’ ફિલ્મ છવાઇ ગઇ હતી. ‘કોડા’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તો વિલ સ્મિથે બેસ્ટ એક્ટર અને જેસિકા ચેસ્ટેનને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. વિલ સ્મિથે ‘કિંગ રિચાર્ડ’ ફિલ્મ માટે જ્યારે જેસિકા ચેસ્ટેનને ‘ધ આઇઝ ઓફ ટેમ્મી ફે’માં શ્રેષ્ઠ અભિનય માટે એવોર્ડ મેળવ્યા હતા. જ્યારે સ્ટેન્ડિંગ ઓવેશન વચ્ચે ‘કોડા’ ફિલ્મને બેસ્ટ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરાઇ હતી.
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચરની કેટેગરીમાં ‘ધ સમર ઓફ સોલ’ને ઓસ્કર મળ્યો હતો. ભારતીય ફિલ્મ ‘રાઇટિંગ વિથ ધ ફાયર’ને પણ આ શ્રેણીમાં નોમિનેશન મળ્યું હતું પરંતુ તે ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી. હુમા કુરેશીની ‘આર્મી ઓફ ધ ડેડ’ને ફેન્સ ચોઈસ એવોર્ડ મળ્યો હતો. આ વર્ષે જેન કેમ્પિયનની ફિલ્મ ‘પાવર ઓફ ધ ડોગ’ ફિલ્મને સૌથી વધારે નોમિનેશન મળ્યાં હતાં. જોકે ‘ડ્યૂક’ ફિલ્મને સૌથી વધારે છ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતાં.
સેલિબ્રેટિઝ લૂક્સે લગાવ્યા ચાર ચાંદ
ઓસ્કર ફિલ્મી દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે, જેના પર ફક્ત સિનેમાજગતના ફેન્સની જ નજર નથી હોતી, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો દરેકેદરેક કલાકાર પણ આ એવોર્ડ નાઇટની આતુરતાપૂર્વક રાહ જોતો હોય છે. વિશ્વભરના મીડિયાના કેમેરાની લાઇટ્સ વચ્ચે આ એવોર્ડ શોમાં હાજરી આપવા આવેલા સ્ટાર્સે પણ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. રેડ કાર્પેટ પર ઊતરેલા સેલિબ્રિટિઝે પોતાના લૂક્સ દ્વારા આ શોની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતાં.
ઓસ્કર એવોર્ડની કિંમત એક ડોલર!
ઓસ્કર એવોર્ડના નિયમ અનુસાર એવોર્ડ વિજેતા ઓસ્કર ટ્રોફીનો સંપૂર્ણ માલિકી હક્ક ધરાવતા નથી. તેઓ ઇચ્છે તો પણ કોઈને આ ટ્રોફી વેચી શકતા નથી. જો કોઈ વિજેતા આ ટ્રોફી વેચવા માંગે તો તેણે આ ટ્રોફી એક્ડેમીને જ વેચવી પડે છે અને તે પણ એક ડોલરની મામૂલી કિંમતે. જોકે તેને બનાવવામાં ઘણો ખર્ચ થાય છે.
ઓસ્કર વિજેતાઓ...
બેસ્ટ ફિલ્મઃ કોડા
બેસ્ટ એક્ટ્રેસઃ The Eyes of Tammy Faye ફિલ્મ માટે જેસિકા ચેસ્ટેન
બેસ્ટ એક્ટરઃ વિલ સ્મિથ (કિંગ રિચાર્ડ)
બેસ્ટ ડાયરેકટરઃ જેન કેમ્પિયન (પાવર ઓફ ધ ડોગ)
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચરઃ સમર ઓફ સોલ
બેસ્ટ એનિમેટેડ ફીચરઃ એન્કાન્તો
બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મઃ ડ્રાઈવ માય કાર
ફેન્સ ચોઈસ એવોર્ડઃ આર્મી ઓફ ધ ડેડ
બેસ્ટ ઓરીજિનલ સોંગઃ બિલિ એલિસ (જેમ્સ બોન્ડ ફિલ્મનું સોંગ ‘નો ટાઈમ ટુ ડાઈ...’)
‘ડ્યૂન’ને કઇ કેટેગરીમાં છ ઓસ્કર મળ્યા?
• બેસ્ટ ફિલ્મ એડિટિંગ • બેસ્ટ ઓરિજિનલ સ્કોર • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન • બેસ્ટ સાઉન્ડ
• બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ • બેસ્ટ સિનેમેટોગ્રાફી