હેમિલ્ટનઃ ઓહાયોમાં કારની અંદર ગોળી મારીને ભારતનાં 26 વર્ષના મેડિકલ વિદ્યાર્થીની હત્યા કરાઈ હતી. કારમાં ડ્રાઇવરની બાજુની વિન્ડોમાં ગોળીનાં ત્રણ નિશાન મળ્યાં છે. હત્યાનું કારણ હજુ બહાર આવ્યું નથી. યુનિવર્સિટીએ ઘટનાને અણધારી અને દુઃખદ ગણાવી હતી. આદિત્ય અદલખા નામનો આ યુવાન યુનિવર્સિટી ઓફ સિનસિનાટી મેડિકલ સ્કૂલમાં મોલેક્યુલર એન્ડ ડેવલપમેન્ટલ બાયોલોજી પ્રોગ્રામમાં ચોથા વર્ષનો ડોક્ટરલ વિદ્યાર્થી હતો.
હેમિલ્ટન કાઉન્ટી કોરોનર્સ ઓફિસે જણાવ્યું હતું કે આદિત્યનું યુસી મેડિકલ સેન્ટરમાં અવસાન થયું છે. સિનસિનાટી પોલીસ લેફ્ટનન્ટે કહ્યું હતું કે એક વ્યક્તિ ગોળી મારેલી હાલતમાં કારમાં પડેલો મળ્યો હતો. કાર વેસ્ટર્ન હિલ્સ વાયડક્ટના ઉપરના ડેક પર દિવાલ સાથે અથડાઈ હતી. તેને મેડિકલ સેન્ટરમાં લઈ જવાયો હતો જ્યાં બે દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં હજુ કોઈ ધરપકડ કરાઈ નથી.