વોશિંગ્ટનઃ આંધ્ર પ્રદેશના રહેવાસી અને માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરતા 24 વર્ષીય વિદ્યાર્થી સાઈશ વીરાની ઓહાયોના ગેસ સ્ટેશન ખાતે 20 એપ્રિલે ગોળી મારીને હત્યા કરાઇ હતી. હાલ હુમલાનું કારણ બહાર આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે સાઈશ વીરાને માત્ર 10 દિવસ પછી માસ્ટર્સ ડીગ્રી મળવાની હતી અને તેને H-1B વિઝા પણ મળ્યો હતો.
ઓહાયો સ્ટેટના કોલમ્બસ ડિવિઝનના પોલીસ ઓફિસરોને 20 એપ્રિલની બપોરે ગેસ સ્ટેશન ખાતે શૂટિંગની માહિતી મળતા તેઓ તત્કાળ પહોંચી ગયા હતા. પોલીસે 24 વર્ષીય સાઈશ વીરાને તરત જ હોસ્પિટલે ખસેડ્યો હતો, પણ તે બચી શક્યો ન હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોર ગોળી મારીને ભાગી ગયો હતો. પોલીસ સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીને શોધી રહી છે.
સાઈશ વીરાના મૃતદેહને ભારત મોકલવા ઓનલાન ફંડરેઈઝર પ્રોગ્રામ પર દેખરેખ રાખતા રોહિત યાલામાન્ચિલે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશના એલુરુનો રહેવાસી 24 વર્ષીય સાઈશ વીરા નવેમ્બર 2021માં આઈટીનો અભ્યાસ કરવા અમેરિકા આવ્યો હતો તેમજ અભ્યાસની સાથે ગેસ સ્ટેશન પર ક્લાર્ક તરીકે કામ કરતો હતો અને થોડા જ સપ્તાહોમાં નોકરી છોડવાનો હતો. અહીં જ તેને ગોળી વાગી હતી.