ઓહિયોમાં શીખ પરિવારનાં ચાર સભ્યોની ગોળી મારીને હત્યા

Friday 03rd May 2019 07:44 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકાના ઓહિયો સ્ટેટમાં એક શીખ પરિવારની ૩ મહિલા સહિત ચાર વ્યક્તિની ગોળી મારી હત્યા કરી નાખતાં અમેરિકામાં વસતા શીખ સમુદાયમાં ભય ફેલાયો છે. અમેરિકી સત્તાતંત્રએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્યોને ઘરમાં જ ગોળી મારીને મારી નાખવામાં આવી હતી. ઓહિયો સ્ટેટના ઓહિયો શહેરના પરાં વિસ્તાર વેસ્ટચેસ્ટરમાં વસતા આ પરિવારના મોભીએ પોલીસને જાણ કરી હતી કે, આ ઘરમાં પરિવારના ચાર સભ્યોની હત્યા કરી નાખવામાં આવી છે.

વેસ્ટ ચેસ્ટરના પોલીસ વડા જોએલ હેર્ઝોગે જણાવ્યું હતું કે, ૯૧૧ પર પોલીસને જાણ કરતાં પરિવારના મોભીએ જણાવ્યું હતું કે, ઘરમાં મારી પત્ની અને પરિવારના ૩ સભ્યો લોહીલુહાણ હાલતમાં છે. તેમના માથામાંથી લોહી વહી રહ્યું છે. તેઓ નિસ્ચેતન અવસ્થામાં પડેલાં છે.

સ્થાનિક શીખ આગેવાને જણાવ્યું હતું કે, આ હત્યાકાંડમાં હકીકતસિંહ પનાગ (ઉં ૫૯), તેમના પત્ની પરમજિત કૌર (ઉં ૬૨), દીકરી શાલિન્દર કૌર (ઉં ૩૯) અને ભાભી અમરજિત કૌર (૫૮)નાં મોત થયાં છે. પોલીસના જણાવ્યા અનુસાર ચારેય વ્યક્તિને તાજેતરમાં સ્થાનિક સમય પ્રમાણે રાતના ૯.૫૦ કલાકે ગોળી મારી દેવામાં આવી હતી. આ એક નરસંહાર હતો અને ગોળી વાગવાના કારણે તેમના મોત થયાં હતાં.

હેટ ક્રાઇમ મામલો નથી: સુષમા સ્વરાજ

ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, અમેરિકા સ્થિત ભારતીય રાજદૂતે મને રવિવારે સાંજે થયેલા આ હત્યાકાંડ અંગે માહિતી આપી છે. મૃતકોમાં એક ભારતીય નાગરિક છે જ્યારે અન્ય ૩ ભારતીય અમેરિકન નાગરિક છે. હાલ પોલીસ મામલાની તપાસ રહી છે. ન્યૂ યોર્ક સ્થિત ભારતીય દૂતાવાસ સંબંધિત સત્તાવાળાઓ સાથે સંકલન કરીને મને માહિતી આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter