ન્યૂ યોર્કઃ અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેનો મુકાબલો ઘણો રસપ્રદ બની ગયો છે. ચૂંટણી સરવેમાં બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, ત્યારે હેરિસે પ્રચારમાં ટ્રમ્પ કરતાં અઢી ગણો વધુ ખર્ચ કર્યો છે. હેરિસે પોતાના ચૂંટણીપ્રચારમાં અત્યાર સુધીમાં 2,300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે જ્યારે ટ્રમ્પે 900 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
ચૂંટણીપ્રચારમાં ટ્રમ્પ કરતાં વધુ નાણાં ખર્ચવા ઉપરાંત કમલા પાસે પ્રચાર ઝૂંબેશનું સંચાલન કરવા માટે ટ્રમ્પ કરતાં ત્રણ ગણી મોટી ટીમ પણ છે. તેમનું અભિયાન સોશિયલ મીડિયા પર પણ વધુ આક્રમક જોવા મળી રહ્યું છે. પરિણામે તેમને લીડ મળી રહી છે. આ સિવાય જાહેરાતો કરવાના મામલે પણ તેઓ પ્રભુત્વ ધરાવે છે. જોકે, ચૂંટણીનાં પરિણામો હજુ પણ તીવ્ર હરીફાઈ તરફ ઈશારો કરે છે.
સૌથી વધુ ભંડોળ એકત્ર કરવામાં કમલા પ્રથમ
ફર્સ્ટ કેન્ડિડેટ કમલાએ અમેરિકન ઈતિહાસમાં ફંડ એકઠું કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિપદના અન્ય ઉમેદવારો કરતાં વધુ નાણાં (8 હજાર કરોડ રૂપિયા) એકત્રિત કર્યા છે. તેમના અભિયાને માત્ર જાહેરાતો અને ઝુંબેશના સાધનોમાં જ નહીં, પણ ભંડોળ ઊભું કરવામાં પણ ઐતિહાસિક લાભ મેળવ્યા છે. કમલાને માત્ર મોટાં નાણાકીય જૂથો તરફથી દાન જ મળતું નથી પરંતુ તેમને નાના દાતાઓ તરફથી પણ ઘણી મદદ મળી રહી છે. આથી તેઓ આર્થિક રીતે મજબૂત બન્યાં છે. કમલાએ ઓબામા અને બાઈડેન દ્વારા એકત્રિત કરેલાં દાનના આંકડાને પણ પાછળ છોડી દીધાં છે.
ભારતનું રેવડી કલ્ચર યુએસ પહોંચ્યું
ભારતનું રેવડી કલ્ચર હવે અમેરિકા પહોંચ્યું હોય તેવું લાગે છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ જનતાને બેફામ વચનો આપવા લાગ્યા છે. રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને વચન આપ્યા છે કે જો તેમની સરકાર બનશે તો જનતાનું વીજળી બિલ અડધુ કરી નંખાશે. મહાસત્તા તરીકે ઓળખાતા અમેરિકામાં પણ મફતની સુવિધાઓની બોલબાલા છે તે જાણીને વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં આશ્ચર્ય સર્જાયું છે. ભારતમાં આ મફતની સુવિધાના વચન રેવડી કલ્ચર તરીકે ઓળખાય છે, જે હવે અમેરિકા પહોંચ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને વર્તમાન ચૂંટણીમાં ફરી ઝંપલાોવનારા ટ્રમ્પે ટ્વિટર પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તેઓ આ મફતની સુવિધાઓના વચનો આપતા જોવા મળ્યા હતા. ટ્રમ્પે વચનો આપતા કહ્યું હતું કે જો હું ફરી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયો તો અમેરિકાની જનતાને મળતી વીજળીની કિમતો અડધી કરી આપીશ.