વોશિંગ્ટનઃ અમેરિકાના ટોચના દસ વૈજ્ઞાનિકો કે સંશોધકો ક્યાં તો રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા છે અથવા તો ગુમ થઈ ગયા છે. આ બધા વૈજ્ઞાનિકો એરોસ્પેસ, ડિફેન્સ કે ‘નાસા’ જેવા સંસ્થાનોમાં કામ કરતા હતા. આના પગલે ટ્રમ્પ વહીવટી તંત્રે તપાસના આદેશ આપ્યા છે. પ્રમુખ ટ્રમ્પને આ સપ્તાહે આ અંગે જાણ કરાઈ હતી. વળી આ બધી ઘટના છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં બનતા શંકા વધુ ઘેરી બની છે.
આ બનાવોમાં જોઈએ તો નોવાર્ટિસના રિસર્ચર જેસન થોમસ 12 ડિસેમ્બર2025ના રોજ ગુમ થઈ ગયા. તેમના પત્નીએ જેસનના ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો. તેમનો મૃતદેહ મેસેચ્યુસેટ્સમાં 17 માર્ચ 2026ના રોજ મળી આવ્યો. આ જ રીતે ન્યૂક્લિયર ફિઝિસિસ્ટ અને એમઆઇટીના પ્રાધ્યાપક નુનો લુરેઇરોને બોસ્ટનમાં 15 ડિસેમ્બર 2025ના રોજ ઘરની બહાર ગોળી મારી દેવાઈ હતી. લોસ અલામોસના ભૂતપૂર્વ કર્મચારી એન્થની ચાવેઝ 4 મે 2025ના રોજ ગુમ થઈ ગયા હતા. લોસ અલામોસ હાઉસીસ અમેરિકાની અગાઉની પરમાણુ ફેસિલિટીઝ હતી.
આ જ રીતે 26 જૂન 2025ના રોજ મેલિસા કેસિયાસ ગુમ થઈ ગયાં હતાં. તેઓ લોસ અલામોસ નેશનલ લેબોરેટરીમાં વહીવટી સહાયક હતાં. ‘નાસા’ના જેટ પ્રોપલ્સન લેબોરેટરીના રિસર્ચર ફ્રેન્ક મેવાલ્ડ 4 જુલાઈ 2024ના રોજ લોસ એન્જલ્સમાં મૃત્યુ પામ્યા હતા. જેપીએલનાં કર્મચારી મોનિકા જેસિન્ટો 22 જૂન 2025ના રોજ અદ્રશ્ય થઈ ગયાં હતાં. કાર્લ ગ્રિમૈરનારને 16 ફેબ્રુઆરી 2026ના રોજ ગોળી મારી દેવાઈ હતી. તેઓ ‘નાસા’ની સહયોગી સંસ્થા કેલ્ટેકના એસ્ટ્રોફિઝિસિસ્ટ હતા. આ જ રીતે 48 વર્ષના સરકારી કોન્ટ્રાક્ટર સ્ટીવન ગાર્સીયને 28ઓગસ્ટ 2025 પછી જોવા મળ્યા નથી. પોલીસનું માનવું છે તેમના જીવ પર જોખમ છે. તેઓ કેનસાસ સિટી નેશનલ સિક્યોરિટી કેમ્પસના પ્રોપર્ટી કસ્ટોડિયન હતા. આ એકમ પરમાણુ શસ્ત્રોમાંથી નોન-ન્યુક્લિયર ઉપકરણો બનાવે છે. આ જ રીતે ‘નાસા’ની જેટ પ્રોપલ્સન લેબોબેરટીના ફિઝિસિસ્ટનું મોત 30 જુલાઈ 2023માં થયું હતું. તેમના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
કોંગ્રેસમેન એરિક બર્લિસોને જણાવ્યું હતું કે તે થોડા સમયથી વૈજ્ઞાનિકો કે સંશોધકોના આ રીતે ગુમ થવા કે રહસ્યમયી રીતે મૃત્યુ પામેલા મળી આવવાની બાબત ધ્યાન પર લાવવા માંગે છે. આ બધા મૃત્યુમાં જબરદસ્ત યોગાનુયોગ એ છે કે તમામ ટોચના હોદ્દા પર હતા. તેઓ કોઈને કોઈ સિદ્ધિ ધરાવતા હતા. આ જબરદસ્ત યોગાનુયોગ ચિંતા પ્રેરે તેવો છે. ટ્રમ્પે પણ આ કેસની તપાસનો આદેશ આપતા જણાવ્યું હતું કે આશા રાખું છું કે આ યોગાનુયોગ જ હોય. જો તેની પાછળ કોઈ હશે તો તેને છોડાશે નહીં. એફબીઆઈએ આ કેસોની સમીક્ષા શરૂ કરી દીધી છે.


