વોશિંગ્ટનઃ અમેરિકાની પ્રતિષ્ઠિત તપાસ એજન્સી FBIના ગુજરાતી મૂળના ડાયરેક્ટર કાશ પટેલ ફરી એકવાર ચર્ચામાં છે. અમેરિકન ન્યૂઝ આઉટલેટ ‘ધ એટલાન્ટિક’ (The Atlantic)એ તેના લેટેસ્ટ રિપોર્ટમાં કાશ પટેલના ચારિત્ર્ય પર ગંભીર આક્ષેપો કરીને દારૂડિયા ગણાવ્યા હતા. આ મનઘડંત આરોપોથી રોષે ભરાયેલા કાશ પટેલે ‘ધ એટલાન્ટિક’ સામે 250 મિલિયન ડોલરનો બદનક્ષીનો દાવો ઠોકી દીધો છે. એટલાન્ટિકે પોતાના એક રિપોર્ટમાં કાશ પટેલ વિશે એવા આક્ષેપ કર્યા હતા કે કાશ પટેલ દારૂનું વધુ પડતું સેવન કરે છે અને નશાની હાલતમાં તેઓ એવી હરકતો કરે છે કે તેમને સંભાળવા મુશ્કેલ થઈ જાય છે.
જોકે, આ રિપોર્ટ પ્રકાશિત થતાં જ કાશ પટેલે ફોક્સ ન્યૂઝ સાથેની વાત કરતા જણાવ્યું હતું કે પોતાના પર ખોટા આક્ષેપ કરનારા એટલાન્ટિકને તે કોર્ટમાં ઢસડી જશે. તેમણે એવું પણ કહ્યું હતું કે સોમવારે ઉઘડતી કોર્ટે જ આ લોસ્યૂટ ફાઈલ કરવામાં આવશે. ગુસ્સાથી લાલચોળ કાશ પટેલનું કહેવું છે કે પોતાના કેરેક્ટર પર કરાયેલા હુમલાને પોતે હળવાશથી નહીં લે. તો બીજી તરફ, ‘ધી એટલાન્ટિકે’ એવી સ્પષ્ટતા કરી છે કે કાશ પટેલ પરના રિપોર્ટમાં જે કંઈ જણાવાયું છે તેના પર પોતે કાયમ છે અને લોસ્યૂટનો સામનો કરવા માટે પણ તૈયાર છે. ગયા શુક્રવારે ‘ધી એટલાન્ટિક’ મેગેઝીને બે ડઝનથી પણ વધુ સોર્સિસને ટાંકીને કાશ પટેલ પર એક વિગતવાર આર્ટિકલ પબ્લિશ કર્યો હતો જેમાં કેટલાક ચોંકાવનારા દાવા કરવામાં આવ્યા હતા.
જોકે આ રિપોર્ટ અંગે કાશ પટેલના લોયર જેસી બિનનોલે એવો દાવો કર્યો છે કે તેના ઘણા અંશો સાવ ખોટા છે, આ અંગે જેસીએ એક લેટર પણ લખ્યો છે જેને એક્સ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. જેસીએ એટલાન્ટિકને પોતાના રિપોર્ટમાં એ બાબતો પબ્લિશ ના કરવા માટે જણાવાયું હતું કે જેમાં કાશ પટેલે ડીસીના એક ક્લબમાં અને લાસ વેગાસની રૂમ લોન્જમાં ખૂબ જ દારૂ પીધો હતો તેવા દાવા કરવામાં આવ્યા હતા.


