વોશિંગ્ટન: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન કૂતરા સાથે મસ્તી કરતી વેળાએ લપસી ગયા હતા અને તેમના જમણાં પગમાં ફ્રેક્ચર થઇ ગયું છે. તેમના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો બાઈડેન શનિવારે તેમના કૂતરા સાથે રમી રહ્યા હતા. આ દરમિયાન તેઓ સ્લિપ થઈ જતાં તેમના જમણા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું.
નોંધનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા બાદ જો બાઈડેન આવતા વર્ષના પ્રારંભે શપથ લેશે. તેઓ અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ હશે. તેમની ઉંમર ૭૮ વર્ષ છે. જો બાઈડેન તેમની પત્ની જીલ બાઇડેન સાથે વ્હાઇટ હાઉસમાં આવશે ત્યારે તેમની સાથે બે જર્મન શેફર્ડ ડોગ ચેમ્પ અને મેજર પણ વ્હાઇટ હાઉસમાં એન્ટ્રી કરશે.
અમેરિકાના ૩૦ પ્રેસિડેન્ટ સાથે કૂતરાઓ રહી ચૂક્યા છે, પરંતુ છેલ્લા ૪ વર્ષથી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કોઈ કૂતરું વ્હાઇટ હાઉસમાં રહેતું નહોતું. કૂતરા રાખવાની શરૂઆત જ્યોર્જ વોશિંગ્ટને કરી હતી. આ પરંપરાને બાઇડેન પુન: જીવિત કરશે. તેમના બંને પેટ્સ ચેમ્પ અને મેજરને પોતાની સાથે વ્હાઇટ હાઉસ લઈ જશે.