કેનેડાઃ અલગ ખાલિસ્તાનની માગ કરતો પંજાબ ૨૦૨૦ રેફરેન્ડમ ફગાવાયો

Friday 07th August 2020 07:13 EDT
 
 

ટોરન્ટો: કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે અલગ ખાલિસ્તાન રાજ્યની માગણી કરતો પંજાબ ૨૦૨૦ રેફરેન્ડમ ફગાવ્યો છે. કેનેડાનાં અલગતાવાદી અને ખાલિસ્તાન તરફી ગ્રુપ શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા આ રેફરેન્ડમનું આયોજન કરાયું હતું. કેનેડા સરકારે તેને ફગાવતા ભારત માટે આ મોટી કૂટનીતિક જીત છે.
કેનેડાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું હતું કે, કેનેડા ભારતની સંપ્રભુતા અને સાર્વભૌમત્વ - એકતા - પ્રાદેશિક અખંડતાનું સન્માન કરે છે અને કેનેડા સરકાર સૂચિત રેફરેન્ડમને માન્ય રાખતું નથી.
પ્રવક્તાએ કહ્યું કે, કેનેડા અને ભારત વચ્ચેનાં મૈત્રીપૂર્ણ અને સૌહાર્દભર્યા સંબંધો એ કેનેડા સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. કેનેડાનાં હાઈ કમિશન દ્વારા ભારતને આની જાણ કરાઈ હતી.
કેનેડાનાં આ નિર્ણયને પંજાબની પ્રજાએ આવકાર્યો હતો અને અલગ ખાલિસ્તાનની માગણીને ટેકો આપ્યો ન હતો. ૨૦૦૭માં કેટલાક અલગતાવાદી દ્વારા SFJની સ્થાપના થઇ હતી.

આ રાજકીય નિવેદનનું કોઈ મહત્ત્વ નથી: SFJ સલાહકાર

શીખ્સ ફોર જસ્ટિસ દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં શીખો માટે અલગ ખાલિસ્તાનની માગણી કરતા બંધનકર્તા નહીં તેવા રેફરેન્ડમને ટેકો આપવા ટ્રુડો સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. નવેમ્બરમાં ખાલિસ્તાની તરફી આ ગ્રુપ વ્યક્તિગત મતદાન યોજવાનું હતું. આમાં ભાગ લેવા કેનેડાનાં વાનકુંવર, ટોરન્ટો, મોન્ટ્રીયલ, કાલ્ગેરી તેમજ એડમન્ટનમાં રહેતા શીખોને મતદાન કરવા અપીલ કરાઈ હતી.
SFJનાં કાનૂની સલાહકાર ગુરપતવંત પન્નુને કહ્યું હતું કે અમે રેફરેન્ડમની માન્યતા માગી જ ન હતી. કેનેડામાં લોકોને અભિવ્યકિતિની સ્વતંત્રતા છે તેથી આ રાજકીય નિવેદનનું કોઈ મહત્ત્વ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter