કેનેડાની કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાતી યુવકે બનાવટી દસ્તાવેજો આપ્યા

ગયા વર્ષે યુએસની સરહદ નજીક ભારતીય માઈગ્રન્ટની ધરપકડ થઈ હતી

Tuesday 31st January 2023 12:50 EST
 
 

ટોરોન્ટોઃ ગયા વર્ષે યુએસની સરહદ નજીક ધરપકડ કરાયેલા ભારતીય-ગુજરાતી માઈગ્રન્ટે કેનેડાના એન્ટારિયોની લોયલિસ્ટ કોલેજ ઓફ એપ્લાઈડ આર્ટ્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રવેશ મેળવવા બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું બહાર આવ્યું છે. ઈમિગ્રેશન લોયર્સના જણાવ્યા અનુસાર બનાવટી દસ્તાવેજના કેસીસથી કેનેડાના સ્ટડી પરમિટ પ્રોગ્રામની વિશ્વસનીયતા ઘટે છે.

આ 19 વર્ષીય ભારતીય નાગરિક ગયા વર્ષે માનિટોબાની યુનાઈટેડ સ્ટેટ્સની સરહદ નજીક ઠંડીમાં થીજી ગયેલા માઈગ્રન્ટ્સના એક જૂથનો હિસ્સો છે જેની વિરુદ્ધ તેના જ દેશમાં ફોર્જરીનો આરોપ લગાવાયો છે. તેણે કેનેડાના સધર્ન ઓન્ટારિયોની લોયલિસ્ટ કોલેજમાં અભ્યાસ કરવાની અરજીમાં હાઈસ્કૂલની ટ્રન્સક્રિપ્ટના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હોવાની ફરિયાદ ગુજરાતના ગાંધીનગરની કોર્ટમાં કરવામાં આવી છે. ગત ઓક્ટોબરમાં ફાઈલ કરાયેલા પોલીસ દસ્તાવેજમાં જણાવાયું છે કે આ વ્યક્તિના પિતાએ તેના પુત્રને કેનેડામાં સ્ટડી પરમિટ મળે અને તેને સરહદ વટાવવામાં મદદ આપવા માટે કોઈને મોટી રકમ ચૂકવી હતી.

યુએસ લો એન્ફોર્સમેન્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ પટેલ પરિવાર - ત્રણ વર્ષના ધાર્મિક, તેની 11 વર્ષની બહેન વિહાંગી અને તેમના માતાપિતા જગદીશ (39) અને વૈશાલી (37) ના મૃતદેહો મળ્યા તે અગાઉ જાન્યુઆરી 2022માં આંતરરાષ્ટ્રીય સરહદની દક્ષિણે જે સાત ભારતીય નાગરિકો પકડાયા હતા તેમાં આ વ્યક્તિનો સમાવેશ હતો. આ પ્રવાસમાં પટેલ પરિવાર અને આ સાત વ્યક્તિનું જૂથ અલગ પડી ગયા હતા. યુએસ લો એન્ફોર્સમેન્ટ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયા પછી તે વ્યક્તિને હદપાર કરાયો હતો પરંતુ, તેને ક્યાં મોકલાયો હતો તેની વિગતો જણાવી નથી.

યુએસ સરહદ નજીક ઠંડીથી થીજીને મોતને ભેટતા પહેલા ભારતીય પરિવારે ઓન્ટારિયોમાં ગાળેલાં દિવસોની નવી વિગતો બહાર આવી રહી છે. માનિટોબા ટ્રેજેડીના એક વર્ષ પછી આ માટે કેનેડામાં કોણ જવાબદાર તેનો ઉત્તર પરિવાર માગી રહ્યો છે. લોયલિસ્ટ કોલેજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ કોલેજને અરજી કરી હતી પરંતુ, તેણે સ્ટુડન્ટ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું નથી. કોલેજ દ્વારા RCMP ને તેની અરજી સંદર્ભે દસ્તાવેજો આપ્યા છે અને તપાસમાં સહકાર કરી રહી છે.

કેનેડામાં આ કેસમાં કોઈની ધરપકડ કરાઈ નથી પરંતુ, ભારતમાં પોલીસ મેમો અનુસાર કેનેડાની બે વ્યક્તિઓ પટેલ પરિવાર સહિત માઈગ્રન્ટ્સના જૂથને મદદ કરવા માટે જવાબદાર હતા. ગુજરાત પોલીસે આ સંદર્ભે ભાવેશ પટેલ, યોગેશ પટેલ અને દશરથ ચૌધરીની માનવ તસ્કરી, સાપરાધ માનવવધ અને માનવવધના પ્રયાસ તથા ક્રિમિનલ ષડયંત્રના ગુનાસર ધરપકડ કરેલી છે. પટેલ પરિવારના મૃતદેહો 19 જાન્યુઆરી. 2022ના રોજ મળી આવ્યા પછી યુએસમાં ફ્લોરિડાના સ્ટીવ શાન્ડ સામે હ્યુમન સ્મગલિંગના આરોપો લગાવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter