ઓટ્ટાવાઃ કેનેડામાં વધી રહેલા ખંડણીના કેસોને રોકવા માટે રચાયેલી બ્રિટિશ કોલંબિયા (બીસી) એક્સટોર્શન ટાસ્ક ફોર્સે અત્યાર સુધીમાં 111 વિદેશી નાગરિકો સામે ઇમિગ્રેશન નિયમોના ઉલ્લંઘનનો આરોપ મૂકીને કેનેડા બોર્ડર સર્વિસ એજન્સીને રિપોર્ટ કર્યો છે. આમાંથી 9 વ્યક્તિને તો દેશનિકાલ પણ દેવાયા છે. ટાસ્ક ફોર્સે ચાર મહિનામાં 32 કેસ નોંધ્યા છે અને 1,000 થી વધુ પુરાવા એકત્રિત કર્યા છે.
ટાસ્ક ફોર્સના પ્રમુખ આસિસ્ટન્ટ કમિશનર જોન બ્યુરે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લોઅર મેઇનલેન્ડમાં ખંડણીની ઘટનાઓ વધી રહી છે. આ મહિને એકલા સરેમાં જ 35 કેસ નોંધાયા છે, જેમાંથી આઠ ગોળીબારના છે. ટાસ્ક ફોર્સની તપાસમાં અત્યાર સુધીમાં સાત લોકો પર આરોપ મૂકાયા છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસે પણ અનેક મામલે કેસ નોંધ્યા છે. પોલીસને લગભગ 100 કોર્ટના આદેશો મળ્યા છે અને બીસી અને આલ્બર્ટામાં દરોડા પાડ્યા છે. પોલીસે જણાવ્યું કે શરણાર્થી હોવાનો દાવો કરીને કોઈ ગુનેગાર છટકી શકશે નહીં. સીબીએસએ આવા કેસોમાં કડક કાર્યવાહી કરી રહી છે.
બ્રુઅરે કહ્યું કે ખંડણીમાં સામેલ લોકો ફક્ત વિદેશી નથી. કેટલાક આરોપીઓ કેનેડિયન નાગરિક પણ છે. આ કોઈ એક ગેંગ નથી, પરંતુ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જૂથોનું નેટવર્ક છે. લોકો ડરી ગયા છે અને કેટલાક પોતાને બચાવવા માટે કાયદો પોતાના હાથમાં લેવાનું વિચારી રહ્યા છે. ‘તમે તમારી જાતને અને અન્ય લોકોને જોખમમાં મૂકી રહ્યા છો.’ બુઅરે કહ્યું કે અમારો ઉદ્દેશ્ય એ છે કે જ્યારે કેસ કોર્ટમાં જાય છે, ત્યારે તે ટકી શકે.
સરેમાં કપિલ શર્માના કાફે પર પણ હુમલો થયો હતો
સરેમાં કોમેડિયન કપિલ શર્માના કાફે પર પણ હુમલો થયો છે. કેનેડિયન પોલીસે સંકેત આપ્યો કે આ કેસ સંભવિત રીતે ખંડણી સંબંધિત હોઈ શકે છે. જ્યારે ટાસ્ક ફોર્સના આસિસ્ટન્ટ કમિશનર બુઅરેને પૂછવામાં આવ્યું કે શું ભારતીય એજન્સીનો સંપર્ક કરાયો છે. તેમણે કહ્યું કે ટાસ્ક ફોર્સ બીસી પર કેન્દ્રિત છે અને આંતરરાષ્ટ્રીય સંકલનનું કામ ફેડરલ આરસીએમપી સંભાળે છે. જોકે, તેમણે સીબીએસએ સાથેની ભાગીદારીને મહત્ત્વપૂર્ણ ગણાવી છે.
સાઉથ એશિયન્સને નિશાન બનાવતા લોકો ભયભીત
મોટાભાગના ખંડણીના કેસ દક્ષિણ એશિયન સમુદાયને નિશાન બનાવી રહ્યા છે. સમુદાયના ઘણા લોકો માને છે કે પોલીસ તેમનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. સરેના બેર ક્રીક વિસ્તારમાં તાજેતરમાં થયેલા ગોળીબારના ભોગ બનેલા લોકો પર બદલો લેવાના હુમલાઓની તપાસ ચાલી રહી છે.


