કેનેડામાં 2.25 કરોડ ડોલર્સના સોનાની લૂંટમાં બે ભારતીયો સહિત છની ધરપકડ

Wednesday 24th April 2024 07:26 EDT
 
 

ઓટ્ટાવા: ટોરોન્ટોના મુખ્ય એરપોર્ટ પર ગયા એપ્રિલમાં થયેલી સનસનાટીભરી સોનાની લૂંટના કેસમાં પોલીસે ઓન્ટારિયોમાંથી બે ભારતીયો પરમપાલ સિધુ (54) અને અમિત જલોટા (40)ની ધરપકડ કરી છે. તેમની સાથે અમ્માદ ચૌધરી, અલી રઝા, પ્રશાંત પરમલિંગમ્ અને દુરાન્ટે કિંગ મેક્લેઈન સામે ગુનો નોંધ્યો છે. દુરાન્ટે હાલ શસ્ત્રોની હેરાફેરીના કેસમાં યુએસની કસ્ટડીમાં છે. આ લૂંટ મામલે કુલ છની ધરપકડ કરાઇ છે જ્યારે બીજા ત્રણ - બ્રેમ્પટનની સિમરન પ્રીત પાનેસર, અર્ચિત ગ્રોવર તેમજ મિસિસાગાના અરસાલન ચૌધરી સામે કેનેડા વ્યાપી વોરન્ટ બહાર પડાયા છે.
સીબીસી ન્યુસે આ કેસની તપાસ કરનાર પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે એર કેનેડાના કાર્ગોમાંથી કેનેડાના ઈતિહાસમાં આ સૌથી મોટી સોનાની લૂંટ ચલાવાઈ હતી. આ લૂંટ ચલાવવા કાવતરાખોરોને એર કેનેડામાં કામ કરતાં માણસોની જરૂર હતી. જ્યારે આ લૂંટ કરાઇ ત્યારે સીમરનપ્રીત પાનેસર અને પરમપાલ સિધુ એર કેનેડામાં નોકરી કરતાં હતાં. એર કેનેડાના પ્રવક્તાએ આ બંને એ સમયે એર કેનેડામાં નોકરી કરતાં હોવાનું જણાવ્યું હતું. એ પછી એક જણે કંપની છોડી દીધી હતી તો બીજાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
પીલ રિજિયોનલ પોલીસ (પીઆરપી) પોલીસે જણાવ્યું હતું કે 17 એપ્રિલ 2023ના રોજ સ્વિત્ઝરલેન્ડના ઝ્યુરિચથી ટોરોન્ટો પિયરસન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 400 કિલો સોનાના 6600 બાર અને 25 લાખ કેનેડિયન ડોલરની કિંમતની વિદેશી કરન્સી સાથે કાર્ગો લેન્ડ થયો હતો.
લેન્ડિંગ બાદ આ માલ ઉતારીને એરપોર્ટમાં અલગ સ્થળે લઈ જવાયો હતો. બીજા દિવસે માલ ગાયબ થઈ ગયો હોવાની પીલ રિજનલ પોલીસને જાણ થઈ હતી. પીલ પોલીસે ચોરીના મનાતું એક કિલો સોનું તથા 4,34,000 કેનેડિયન ડોલરની કરન્સી જપ્ત કરી હતી. કુલ નવ જણાં સામે 19 આરોપો મુકી તેમની સામે વોરન્ટ બહાર પાડવામાં આવ્યા હતા. પીલ રિજનલ પોલીસના વડા નિશાન દુરાઈઅપ્પાએ જણાવ્યું હતું કે જે લાકો આ લૂંટ ચલાવવા માટે જવાબદાર છે તેમની ધરપકડ કરવામાં કોઈ સરહદો અમને નડશે નહીં. આ લૂંટ ચલાવનારાઓને પકડવા અમે નેશનલ અને ઈન્ટરનેશનલ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter