કેનેડામાં અમદાવાદના દિલીપકુમાર ધોલાણીને છરાના ઘા ઝીંકાયા

Wednesday 30th August 2023 11:46 EDT
 
 

ટોરોન્ટોઃ કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયામાં અમદાવાદના 66 વર્ષના વૃદ્ધને ધોળા દિવસે છરાના 17 ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરાતા ભારતીય સમુદાયમાં આક્રોશનું મોજું ફરી વળ્યો છે. વૃદ્ધ તેમની પૌત્રીને સ્ટ્રોલરમાં બેસાડીને ફરવા નીકળ્યાં ત્યારે તેમના પર આ હુમલો કરાયો હતો.

પોલીસે પીડિતની ઔપચારિક ઓળખ કરી નથી, પરંતુ તેમના પુત્રે જણાવ્યું હતું કે તેઓ 66 વર્ષીય દિલીપકુમાર ધોલાણી છે અને તેઓ અમદાવાદના રહેવાસી છે. તેઓ ગ્રેટર ટોરોન્ટોના ઓશાવા શહેરમાં પુત્રના પરિવારને મળવા માટે આવ્યાં હતાં.

ધોલાણી તેમના નિત્યક્રમ મુજબ દોઢ વર્ષની પૌત્રી લઈને બહાર ફરવા નીકળ્યાં હતાં ત્યારે આ હુમલો થયો હતો. ધોલાણી હાલમાં ટોરોન્ટોના ટ્રોમા સેન્ટરમાં છે, જ્યાં તેમની હાલત ગંભીર છે. તેમના પુત્ર દિનેશ ધોલાણીએ જણાવ્યું કે તેમના પિતા નસીબદાર હતાં કે તેઓ છરાના 17 ઘા સહન કર્યા પછી બચી શક્યા છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર વૃદ્વ વ્યક્તિએ ખૂબ હિંમત દર્શાવી હતી અને જીવલેણ ઘા મારવામાં આવ્યા હોવા છતાં બાળકનું રક્ષણ કર્યું હતું. તેમણે બચાવો-બચાવોની બૂમો પાડી હતી. તથા પુત્રવધુ અને પાડોશી મદદ માટે ન આવે ત્યાં સુધી બાળકને છોડ્યું ન હતું. કથિત હુમલાખોરની ઓળખ 20 વર્ષીય નોહ ડેનિયર તરીકે થઇ હતી. આરોપી આ વિસ્તારમાં ફરતો હોય છે. તે પોલીસ કસ્ટડીમાં છે અને તેના પર હુમલો અને હથિયાર વડે હુમલો કરવાનો આરોપી મૂકવામાં આવ્યો છે. કેસની તપાસ કરી રહેલા ડરગામ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હુમલો રેન્ડમ હોવાનું જણાય છે. ડેનિયરને અધિકારીઓ અગાઉથી ઓળખે છે.

આ ઘટનાને લઇને કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને કેનેડામાં આક્રોશ ફેલાયો છે. આ હુમલા અંગે ટ્વીટ કરીને મુખ્ય વિરોધ પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેના પિયરે પોઇલીવરે જણાવ્યું હતું કે એક દાદા તેમની પૌત્રી સાથે જઇ રહ્યાં હતા. ત્યારે શાંત ઉપનગરીય વિસ્તારમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આવી ભયાનકતા ક્યારે સામાન્ય બની ગઇ?’’
પોતાનો પરિવાર હાલના નિવાસસ્થાનમાં સુરક્ષિત છે કે નહીં તે અંગે ધોલાણી પરિવાર ચિંતાના ગરકાવ છે અને આક્રોશની લાગણી છે. દિનેશ ધોલાણીએ કહ્યું હતું કે ખૂની હુમલો કર્યો હોવા છતાં ડેનિયરને જામીન મળી જશે. પરિવારને આ હુમલા પાછળના હેતુની પણ ખબર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter