ટોરન્ટોઃ કેનેડા પોલીસે સુનિયોજિત કાર્ગો અને વાહન ચોરીની કાર્ટેલ ચલાવતા 15 ભારતવંશી પુરુષોની ધરપકડ કરીને ચોરાઉ વસ્તુઓ સાથે 90 લાખ ડોલરની સંપત્તિ પણ જપ્ત કરી છે.
પિલ રિજિયોનલ મ્યુનિસિપાલિટી અને ગ્રેટર ટોરોન્ટો એરિયા (જીટીએ)માં ટ્રેકટર ટ્રેલર અને કાર્ગો ચોરીની ઘટનાઓની તપાસ માટે માર્ચમાં એક જોઇન્ટ ટાસ્ક ફોર્સ રચાયું હતું. પ્રોજેક્ટ બિગ રિંગ નામના આ ટાસ્ક ફોર્સે આ અપરાધી જૂથનો પર્દાફાશ કરી જીટીએમાં વિભિન્ન શહેરોમાંથી 15 ભારતવંશીઓની ધરપકડ કરી હતી. તમામ આરોપીઓની ઉંમર 22થી 58 વર્ષ વચ્ચે છે. આરોપીઓ ચોરી કરેલા વાહનો અને વસ્તુઓને કબાડી માર્કેટ અને દુકાનોમાં વેચી દેતા હતાં.
કુલ 92 લાખ કેનેડિયન ડોલરની સંપત્તિ કબજે કરવામાં આવી છે, જેમાં 69 લાખ કેનેડિયન ડોલરનો કાર્ગો અને 22 લાખ કેનેડિયન ડોલરના ચોરી કરેલા ટ્રેક્ટર – ટ્રેલરનો સમાવેશ થાય છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં બલકર સિંહ (42), અજય (26), મનજિત પડ્ડા (40), જગજીવન સિંહ (25), અમનદીપ બૈદવાન (41), કરમસશંદ સિંહ (58), જસવિન્દર અતવલ (45), લખવીર સિંહ (46), જગપાલ સિંહ (34), ઉપકરન સંધુ (31), સુખવિંદર સિંહ (44), વર્ષીય કુલવિરબેન (39), બનીશીદાર લાલસરન (39), શોબિત વર્મા (23) અને સુખિન્નદર ધિલોન (34)નો સમાવેશ થાય છે.