કેનેડામાં ગૂગલ, ફેસબુકે ન્યૂઝ કન્ટેન્ટના બદલામાં નાણાં ચૂકવવા પડશે

Sunday 17th April 2022 06:39 EDT
 
 

ટોરન્ટો: ગૂગલ, ફેસબુક જેવી ટોચની ટેક કંપનીઓ આગામી સમયમાં કેનેડામાં પોતાનાં પ્લેટફોર્મ પર ન્યૂઝ કન્ટેન્ટ મફતમાં નહીં બતાવી શકે. કેનેડા સરકાર સંસદમાં એક ખરડો લાવવાની તૈયારીમાં છે, જે કાયદામાં ફેરવાયા બાદ આ ટેક કંપનીઓએ સ્થાનિક ન્યૂઝ પબ્લિશર્સના ન્યૂઝ કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ તેમને નાણાં ચૂકવવા પડશે.
સરકારના આ પગલાથી સ્થાનિક મીડિયા કંપનીઓને મદદ મળશે કેમ કે હાલ તો ઓનલાઇન જાહેરખબરોની કમાણી સીધી સિલિકોન વેલીની આ દિગ્ગજ કંપનીઓના ખિસ્સામાં જઇ રહી છે જ્યારે તેમને ન્યૂઝ પૂરા પાડતી સ્થાનિક મીડિયા કંપનીઓ એડ રેવન્યૂ ઘટવાની સમસ્યાનો સામનો કરી રહી છે.
કેનેડાના વરિષ્ઠ પ્રધાન પાબ્લો રોડ્રિગ્સે આ માહિતી આપતા કહ્યું કે તેઓ ઓનલાઇન ન્યૂઝ એક્ટ નામથી ખરડો રજૂ કરશે, જેથી સુનિશ્ચિત થઇ શકે કે આલ્ફાબેટ ઇન્ક અને મેટા પ્લેટફોર્મ ઇન્ક જેવી કંપનીઓ સ્થાનિક ન્યૂઝ ઓર્ગેનાઇઝેશન્સ સાથે કરાર કરી તેમનાં કન્ટેન્ટ માટે તેમને નાણાં ચૂકવે.
આ ખરડો કાયદામાં ફેરવાયા બાદ પોસ્ટમીડિયા નેટવર્ક, કેનેડા કોર્પોરેશન જેવી લિસ્ટેડ કેનેડિયન કંપનીઓને ફાયદો થવાની આશા છે. આજે કેનેડાના મોટા ભાગના નાગરિકો ન્યૂઝ કન્ટેન્ટ માટે ડિજિટલ પ્લેટફોર્મ્સ તરફ વળી રહ્યા છે, જેના કારણે મીડિયા કંપનીઓ પર વ્યાપક અસર થઇ છે. અમે આ અસંતુલન દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે કેનેડામાં 2008થી અત્યાર સુધીમાં 450થી વધુ મીડિયાહાઉસ બંધ થઇ ચૂક્યાં છે, જેમાંથી 64 તો છેલ્લાં માત્ર બે વર્ષમાં જ બંધ થયાં છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાની સંસદ આવો કાયદો ઘડી ચૂકી છે. પાબ્લો રોડ્રિગ્સે કહ્યું હતું કે કેનેડામાં અમે તેવો જ કાયદો ઘડવાની તૈયારી કરી રહ્યા છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter