કેનેડામાં બીએપીએસ મંદિરમાં ફરી તોડફોડઃ હિન્દુઓમાં આક્રોશ

Monday 10th April 2023 12:37 EDT
 
 

ટોરોન્ટોઃ કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં બહુ જ લોકપ્રિય બીએપીએસ મંદિરમાં ફરી એક વાર તોડફોડની ઘટના બની છે. વણઓળખાયેલાં તોફાની તત્ત્વોએ તોડફોડ દરમિયાન મંદિરની દિવાલ પર ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધના સૂત્રો પણ લખ્યાં હતાં. પોલીસે આ ઘટનાને ઉશ્કેરણીજનક કૃત્ય ગણાવીને આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટના ગયા બુધવારે - પાંચમી એપ્રિલે મધ્યરાત્રે લગભગ 12 વાગ્યે વિન્ડસર સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બની હતી.
તપાસનીશ પોલીસ ટીમને સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. જેમાં બે આરોપીઓ મંદિરની દીવાલ પર સ્લોગન લખતા જોવા મળે છે. વિન્ડસર પોલીસ સર્વિસે બંને આરોપીઓની શોધ શરૂ કરી છે. ગયા વર્ષે જુલાઈ પછી કેનેડામાં આ પ્રકારની આ પાંચમી ઘટના છે. નોંધનીય છે કે હાલમાં ઉત્તર અમેરિકામાં પણ આ પ્રકારના હુમલાના બનાવ બન્યા હતા.

હિન્દુ સમુદાયમાં નારાજગી
કેનેડામાં મંદિરમાં તોડફોડ કરવામાં આવ્યા બાદ હિન્દુ સમુદાયના લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સાથે સાથે આવા બનાવોને રોકવા માટે પોલીસને અપીલ પણ કરી છે. આ દરમિયાન ભારતીય વિદેશ મંત્રાલયનાં પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું છે કે મંદિરમાં કરવામાં આવેલી તોડફોડને લઇને ભારતે સર્વોચ્ચ સ્તરે નારાજગી વ્યક્ત કરી છે. સાથે સાથે જ આ ઘટનામાં સામેલ આરોપીઓની સામે કઠોર કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. કેનેડામાં ઘૃણાસ્પદ ગુનાઓમાં 2019 અને 2021 વચ્ચે 72 ટકાનો વધારો થયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter