કેનેડામાં ભારતવંશી ટ્રક ડ્રાઈવર 87 લાખ ડોલર્સના કોકેઇન સાથે ઝડપાયો

Friday 16th February 2024 11:56 EST
 
 

ઓટ્ટાવાઃ કેનેડાના કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેકશન (સીબીપી)ની ટીમે ભારતવંશી કેનેડિયન નાગરિક ટ્રક ડ્રાઈવર ગગનદીપસિંહને 87 લાખ કેનેડિયન ડોલર્સની કિંમતના કોકેઈન સાથે પકડી પાડ્યો છે. યુએસને જોડતી વિન્ડસર-ડેટ્રોઈટ સરહદે સરહદે શ્વાને ડ્રગ્સને સૂંઘી લેતાં ગગનદીપ ઝડપાઇ ગયો હતો. આરોપીએ અધિકારીઓની અવગણના કરી ટોલ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ અધિકારીઓએ તેને અટકાવીને તપાસ કરતાં ટ્રકના ટ્રેઇલરમાંથી ડક્ટ ટેપ વડે સિલ કરાયેલા પંદર કાર્ડબોર્ડ બોક્સ મળી આવ્યા હતા.
હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન (એચએસઆઈ) એજન્ટે ફરિયાદમાં જણાવ્યું હતું કે 290 કિલો સફેદ પાવડર કોકેઇન હોવાનું પુરવાર થયું હતું, જેનું મૂલ્ય 87,00,000 કેનેડિયન ડોલર્સ છે. ટ્રક ડ્રાઈવર ગગનદીપે ખેતી કરવાના સાધનો લઈ જતો હોવાનું જાહેર કર્યું હતું, પણ તેના ટ્રેલરના સિલ પર કેનેડિયન હેલ્થ એન્ડ બ્યુટી કેર કંપનીનું નામ હતું. આરોપીને સાતમી ફેબ્રુઆરીએ ડેટ્રોઇટ કોર્ટમાં હાજર કરાયો હતો.
તાજેતરમાં યુએસમાં ઉત્તરાખંડના હલ્દ્વાનીના વતની બનમીતસિંહને કેફી દ્રવ્યોની હેરાફેરીમાં પકડવામાં આવ્યો હતો. 2012થી 2017 દરમ્યાન બનમીતસિંહ યુએસમાં આઠ સેલ દ્વારા વિદેશથી ડ્રગ મંગાવી તેને રિપેકેજ કરી અમેરિકાના 50 રાજ્યો તથા કેનેડા, ઇંગ્લેન્ડ, જમૈકા, સ્કોટલેન્ડ અને વર્જિન આઇલેન્ડમાં વેચતો હતો. તેના આ આઠ સેલ યુએસમાં ઓહાયો, ફલોરિડા, નોર્થ કેરોલાઈના, મેરીલેન્ડ, ન્યુ યોર્ક, નોર્થ ડાકોટા અને વોશિંગ્ટનમાંથી કારોબાર ચલાવતાં હતા. બનમીતસિંહની એપ્રિલ 2019માં લંડનમાં ધરપકડ કરાઇ હતી. યુએસ દ્વારા 2023માં તેનું પ્રત્યાર્પણ કરાવાયું હતું. બનમીતે કેફી દ્રવ્યો વેચવાની અને એ રીતે મની લોન્ડરિંગ કરવાનો ગુનો કબૂલી 150 મિલિયન ડોલર્સની ક્રિપ્ટોકરન્સી જમા કરી હત, જે જપ્ત કરાઇ હતી. તે આઠ વર્ષની જેલની સજા ભોગવવા સંમત થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter