ટોરોન્ટોઃ કેનેડા સરકારે એક એવો નિર્ણય કર્યો છે કે જે કેનેડામાં વસતાં અને વસવા ઇચ્છતા લાખો ભારતીયો માટે ક્રિસમસ ગિફ્ટથી જરા પણ કમ નથી. કેનેડા સરકારે જાહેર કર્યું છે કે 2023ની શરૂઆતથી ઓપન વર્ક પરમિટ પર કેનેડામાં આવતા વિદેશી નાગરિકના જીવનસાથીને કેનેડામાં જોબ કરવાની મંજૂરી આપોઆપ મળી જશે. સરકારે વર્ક પરમિટ ધરાવતાં લોકો પોતાના પરિવારને પણ સાથે રાખી શકે તે માટે આ નિર્ણય કર્યો છે. ઓપન વર્ક પરમિટ ધરાવતાં વિદેશી લોકોને કેનેડામાં કોઈ પણ કંપનીમાં કોઈ પણ પ્રકારની નોકરી કરવાનો કાયદેસરનો અધિકાર આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે કેનેડામાં ઓપન વર્ક પરમિટ પર કામ કરતાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી હોવાથી સ્વાભાવિક રીતે જ તેમને વધારે ફાયદો થશે. આમ, કેનેડા સરકારનો આ નિર્ણય લાગુ થવાની સાથે જ ત્યાં વસતા ભારતીયોની પત્ની કે પતિને જોબ કરવાનો અધિકાર આપોઆપ મળી જશે.