ટોરોન્ટોઃ કોરોના મહામારી હજુ તો દુનિયામાંથી ઓસરી નથી ત્યાં હીટ ડોમની કુદરતી આફતે આકાશમાંથી કાળઝાળ ગરમી વરસાવતા કેનેડા અને ઉત્તર-પશ્ચિમ અમેરિકામાં સેંકડોની સંખ્યામાં લોકો માર્યા ગયાં છે. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં જ અચાનક થતાં મોતની સંખ્યામાં ૧૯૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. બ્રિટિશ કોલમ્બિયાના ચીફ કોરોનર લિસા લેપોઇન્ટેએ જણાવ્યું હતું કે, પાંચ જ દિવસમાં કાળઝાળ ગરમીના કારણે અચાનક મૃત્યુ પામનારાની સંખ્યાનો આંક ૫૦૦ નજીક પહોંચી ગઇ છે. બ્રિટિશ કોલમ્બિયાના લિટન ગામમાં કેનેડાના ઇતિહાસનું સૌથી વધુ ૪૯.૬ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાતા ગામની આસપાસના જંગલોમાં દાવાનળ ફાટી નીકળતાં ગામને ખાલી કરાવાયું હતું.
પ્રોવિન્સના સૌથી મોટા શહેર વાનકુંવરમાં તો ઘરોમાં એસીના અભાવે લોકો ડાઉનડાઉનની હોટેલોમાં એસી ઓરડાઓમાં આશ્રય લઇ રહ્યાં છે. આથી હોટેલોમાં લાંબી કતારો લાગી રહી છે. શહેરમાં વીજળીની માગ ઓલટાઇમ હાઇ ૬૦૦ મેગાવોટ કરતાં વધી ગઇ છે.
અમેરિકાના ઓરેગોન સ્ટેટમાં એક સપ્તાહથી પડી રહેલી ભીષણ ગરમીના લીધે ૬૦થી વધુનાં મોત થયાં છે. વોશિંગ્ટન સ્ટેટમાં પણ ગરમીના કારણે એક ડઝન કરતાં વધુ મોત થયાં છે. સિએટલ, પોર્ટલેન્ડ સહિતના અન્ય શહેરોમાં ગરમીનો પારો ૧૧૮ ફેરનહીટ (૪૬ ડિગ્રી સેન્ટિગ્રેડ) પર પહોંચી ગયો છે.
૭ લાખથી વધુ વખત વીજળી ત્રાટકી
કેનેડામાં આ ગ્રીષ્મ ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બ્રિટિશ કોલંબિયા વિસ્તારમાં ૩૦ જૂને ૭,૧૦,૧૧૭ વખત વીજળી ત્રાટકી હતી. ૬૨ નવા સ્થાને આગ ભભૂકી ઊઠી હતી. તાજેતરમાં જારી થયેલી સેટેલાઇટ ઇમેજમાં આ વિગતો સામે આવી હતી. પ્રાંતમાં કોવિડ-૧૯ને કારણે એક મહિનાથી અમલી ઇમરજન્સી ઉઠાવી લીધા પછીના ૧૩ જ કલાકમાં નવી આફત સામે આવી છે. જાહેર સુરક્ષાપ્રધાન માઇક ફાર્નવર્થે જણાવ્યું હતું કે આ ગ્રીષ્મ મોસમમાં પણ આગની વ્યાપક ઘટનાઓને કારણે કટોકટી લાદવી પડે તેવા સંજોગોમાં છે. બ્રિટિશ કોલંબિયામાં છેલ્લે વર્ષ ૨૦૧૭માં જંગલોમાં લાગેલા દવને કારણે સૌથી મોટી મુદત માટે કટોકટી અમલી જાહેર કરવામાં આવી હતી. આજે સ્થિતિ એ છે કે માત્ર ૨૪ જ કલાકમાં પ્રદેશ પર ૭,૧૦,૧૧૭ વીજળી ત્રાટકી હતી. કેનેડા પર વાર્ષિક ત્રાટકતી વીજળીના આ પાંચ ટકા વીજળી છે. જમીન પર લાગેલા સેન્સરની મદદથી આ વીજળીની ગણતરી કરવામાં આવી છે.
લિટન ટાઉન ૯૦ ટકા બળીને ખાક
બ્રિટિશ કોલંબિયાના વડા જોન હોર્ગને જણાવ્યું હતું કે સમગ્ર પ્રાંતમાં ઠેર ઠેર જંગલોમાં આગ ફાટી નીકળી છે. લિટન ગામને પણ જ્વાળાઓએ ભરડામાં લીધું છે. લિટન ટાઉનમાં સતત ત્રણ દિવસ સુધી ૧૨૧ ફેરનહીટ જેટલું દેશનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું અને તે ગામ ૯૦ ટકા ખાક થઇ ચૂક્યું છે. મોટા ભાગનાં મકાનોને આગ ભરખી ચૂકી છે. આગનું કારણ હજી જાણી શકાયું નથી. એક અનુમાન મુજબ જંગલમાં લાગેલા દવને કારણે લિટન ગામમાં આગ નથી લાગી. નગરમાં અને તેની આસપાસ વસી રહેલા ૧૦૦૦ લોકો સ્થળાંતર કરી રહ્યા છે. સંખ્યાબંધ લોકો લાપતા છે. તેમને શોધી કાઢવા અશ્વદળના જવાનોને કામે લગાડવામાં આવ્યા છે. લિટનના મેયરે ગામ લોકોને બુધવારે જ ગામ ખાલી કરી દેવા ચેતવણી આપી દીધી હતી. ગામમાં એક સ્થાને આગે દેખા દીધા પછી ૧૫ મિનિટમાં તો ગામ ભડકે બળવા લાગ્યું હતું.
હીટ ડોમ: ૧૦૦૦ વર્ષે એકાદ વખત બનતી ઘટનાનો ભોગ કેનેડા કેમ બન્યું?
એક હજાર વર્ષે એકાદ વખત બનનારી ઘટના અત્યારે કેનેડામાં હાહાકાર મચાવ્યો. ૨૬ જૂનથી કેનેડાને રીતસર શેકી રહેલી ભયાનક ગરમીના કારણે ૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ૧૦૦૦ વર્ષમાં કેનેડાએ ૪૯.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ ગરમી કદી જોઈ નથી. તો હવે ગરમી કેમ પડી રહી છે અને તે ક્યાં સુધી પડશે?
• હીટ ડોમ ક્યાં સુધી ચાલશે?
નિષ્ણાતોનો અંદાજ છે કે આવા હીટ ડોમ એક અઠવાડિયા સુધી ચાલતા હોય છે, પછી વિખરાવા લાગે છે.
• લોકો અચાનક શી રીતે મૃત્યુ પામ્યા?
ઐતિહાસિક રેકોર્ડબ્રેક ૪૯.૫ ડિગ્રી સેલ્શિયસની શેકી નાંખતી અગનજ્વાળાઓ વરસી રહી છે. કેનેડાના લોકોના શરીર માઈનસ તાપમાનમાં રહેવા ટેવાયા હોવાથી તેમનાં શરીર ગરમીને અનુકૂળ થઈ શકતા નથી. તેથી લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે.
• આટલી બધી ગરમી શા માટે વધી ગઈ છે?
વાતાવરણ સાથે આપણે કરેલા ચેડાંના પરિણામે અચાનક વાયુઓ ચારેબાજુથી કેનેડા ઉપર પારદર્શી ડોમરૂપી ઢાંકણ બનાવીને વહી રહ્યા છે. ગરમીને કેદ કરી લીધી છે. તેના કારણે ઉષ્ણતામાનનો પારો ભયાનક હદે વધી ગયો છે.
• ખરેખર હિટ ડોમ શું હોય છે?
ગરમ પવનોનો પ્રવાહ ઊંચે ચઢયા પછી આસપાસ પ્રસરવાને બદલે લહેરિયા લેતો ઉપર-નીચે થવા લાગે અને ઉપરના ભાગે પણ ભયાનક ગરમ પવનો લહેરિયાં લેતા રહે પણ ફેલાય નહીં, તો હીટ ડોમ રચાય છે. એ વિસ્તારની ગરમી ક્યાંય જઈ જ શકતી નથી.
• શું ખરેખર ૧૦૦૦ વર્ષમાં આવું કદી નથી બન્યું?
ખરેખર નથી બન્યું. કુદરતી રીતે ૧૦૦૦ વર્ષમાં એકાદ વખત જ આવું બને છે. જોકે હવે આપણે હવામાન એટલું ગરમ કર્યું છે કે થોડાં વર્ષોમાં ફરી બની શકે.
• ગરમી આટલી બધી વધે શી રીતે?
હીટ ડોમમાં ખૂબ ઊંચા દબાણથી હવા ઉપર જવાને બદલે સતત નીચે બેસતી રહે છે. તેથી નીચેના વિસ્તારની હવા પર વધુ દબાણ આવતાં સતત વધુ ગરમી સર્જાય છે. એ ગરમી સતત વધતી જ જાય છે.