ન્યૂ યોર્કઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે હતા તેવામાં જ યુએસની વેસ્ટર્ન કેન્ટકી યુનિવર્સિટીએ ૬૦માંથી ૨૫ ભારતીય વિદ્યાર્થીઓને હાંકી કાઢ્યા હતા. કારણ કે આ વિદ્યાર્થીએ પહેલાં સેમેસ્ટર દરમિયાન એડમિશનનાં ધારાધોરણોનું પાલન કરી શક્યા નહોતાં. આ પગલાંને કારણે વિદ્યાર્થીઓએ કાં તો ભારત પરત આવવું પડશે અથવા તો યુએસની અન્ય યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો પડશે. આ પ્રક્રિયા તેમણે છ મહિનામાં પૂરી કરવી પડશે. આ વિદ્યાર્થીઓને ગત ઉનાળાના વેકેશનમાં સ્પોટ એડમિશનની લાલચ આપીને અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવતું હોય છે અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓ મેળવવા માટે તેમના એજન્ટ્સને માતબર કમિશન આપતી હોય છે.
આ યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્સ વિભાગના ચેરમેન જેમ્સ ગ્રેએ જણાવ્યું હતું કે, અંદાજે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ એવા હતા કે તેમને યુનિવર્સિટી દ્વારા મદદ કરવામાં આવી હોવા છતાં પણ તેઓ યુનિવર્સિટીના પ્રવેશના ધારાધોરણોનું પાલન કરી શક્યાં નહોતાં. કેટલાક વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચાલુ રાખવા માટેની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ ૬૦માંથી ૨૫ વિદ્યાર્થીઓએ સ્વદેશ પરત જવું પડશે.