વોશિંગ્ટનઃ ગુજરાતી મૂળના ફેડરલ જજ અમિત મહેતાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની મુશ્કેલીમાં વધારો કરે તેવો ચુકાદો આપ્યો છે. જજ મહેતાએ ઠરાવ્યું છે કે છઠ્ઠી જાન્યુઆરી 2021ના કેપિટોલ હીલ (સંસદ) પરના હુમલાના મામલામાં પ્રમુખ ટ્રમ્પને કાનૂની દાવાથી મુક્તિ મળી શકે નહીં, કારણ કે તેમણે આ હુમલો કરવા માટે તેમના સમર્થકોના ટોળાની ઉશ્કેરણી કરી હતી. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ અમિત મહેતાએ જણાવ્યું હતું કે ‘સ્ટોપ ધ સ્ટીલ’ રેલી દરમિયાન ટ્રમ્પે આપેલા ભાષણમાં ઉશ્કેરણીજનક શબ્દો હતાં, જે અમેરિકાના બંધારણના પ્રથમ સુધારા (ફ્રી સ્પીચ) હેઠળ કાનૂની રક્ષણ હેઠળ આવતા નથી. અહીં ઉલ્લેખનીય છે વ્હાઉટ હાઉસ નજીક યોજાયેલી આ રેલી પછી ટ્રમ્પના સમર્થકોએ કેપિટોલ હીલ પર હુમલો કર્યો હતો.
જજે જણાવ્યું હતું કે ટ્રમ્પ 6 જાન્યુઆરીના ભાષણ અને તે દિવસે કરેલી ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ્સ જવાબદાર ઠરી શકે છે. જોકે રોઝ ગાર્ડનમાં આપેલા નિવેદનો અથવા ન્યાય વિભાગ સાથેની વાતચીત જેવા તેમના સત્તાવાર કાર્ય માટે તેમને જવાબદાર ઠેરવી શકાય નહીં.
જજ મહેતાએ તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રમ્પનું ભાષણ તેમના પ્રેસિડન્ટ પદના સત્તાવાર કાર્યોની હદમાં આવતું ન હોવાથી તેમને ઈમ્યુનિટી મળતી નથી. આ ભાષણની સામગ્રી પુષ્ટિ કરે છે કે તે સત્તાવાર કાર્ય ન હતું અને તેને કાનૂની રક્ષણ મળી શકે નહીં.
કેપિટોલ હીલ હિંસા માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવી શકાય છે તેવો કોર્ટનો આ પ્રથમ ચુકાદો નથી, પરંતુ 79 પેજનો આ ચુકાદોથી આ જ કોર્ટહાઉસમાં તેમની સામે સિવિલ ટ્રાયલનો તખતો તૈયાર કરે છે. આ જ કોર્ટમાં અગાઉ 6 જાન્યુઆરીની આ હિંસા માટે આરોપ મૂકાયો હતો.
ફેબ્રુઆરી 2022માં પણ જજ મહેતાએ ટ્રમ્પ વિરુદ્ધના દાવાઓ રદ કરવાનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ટ્રમ્પે પ્રેસિડન્ટ તરીકે કાનૂની દાવાથી રક્ષણ મળતું નથી. આ ચુકાદામાં પણ જજે જણાવ્યું હતું કે તેમનું ભાષણ ઉશ્કેરણીજનક હતું. આ પછી 2022ના આ ચુકાદાને અપીલ કોર્ટે માન્ય રાખ્યો હતો, તેથી આ સમગ્ર મામલે હવે ફરી જજ મહેતા પાસે આવ્યો છે.
6 જાન્યુઆરીના રોજ ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું હતું કે આપણે લડીશું, જોરદાર લડશું, નહીં તો દેશ નહીં બચે. આ ભાષણ પછી ભીડે યુએસ કેપિટલ પર હુમલો કર્યો હતો. અરજદારોએ જણાવ્યું હતું કે ટ્રમ્પ તે સમયે પ્રેસિડન્ટ તરીકે નહીં પરંતુ ફરીથી પદ મેળવવા માંગતા રાજકારણી તરીકે વર્તી રહ્યા હતાં, એટલે તેમને પ્રેસિડન્ટ ઇમ્યુનિટીનો લાભ મળવો જોઈએ નહીં.
જજ અમિત મહેતાનો જન્મ પાટણમાં, અભ્યાસ અમેરિકામાં
અમિત પ્રિયવદન મહેતાનો જન્મ ગુજરાતના પાટણમાં 1971માં થયો હતો. અમિત પ્રિયવદન મહેતા એક વર્ષના હતા ત્યારે માતા-પિતા સાથે યુએસ જઇ વસ્યા હતા. તેમના મમ્મી લેબોરેટરીમાં ટેક્નિશ્યન અને પિતા એન્જિનિયર હતા. અમિત મહેતાનો ઉછેર બાલ્ટીમોરના મેરીલેન્ડમાં થયો હતો. એક અમેરિકન વકીલ અને ન્યાયશાસ્ત્રી છે જે કોલંબિયા ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે સેવા આપે છે. 2014માં પ્રમુખ બરાક ઓબામા દ્વારા તેમની નિમણૂક કરાઇ હતી. અમિત મહેતા અગાઉ બહુચર્ચિત ગૂગલ એન્ટિટ્રસ્ટ કેસની અધ્યક્ષતા કરી ચૂક્યા છે.


