ન્યૂયોર્ક, તા. 8ઃ અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ દિવસો દરમિયાન ત્યાં હવે સત્તાવાર રજા રહેશે. કેલિફોર્નિયામાં 10 લાખથી પણ વધુ ભારતીય રહે છે.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે ગયા મંગળવારે જાહેરાત કરી હતી કે તેમણે એસેમ્બલીના સભ્ય એશ કાલરા દ્વારા રજૂ થયેલા દિવાળીને સ્ટેટ હોલિડે તરીકે રજૂ કરતા બિલ પર સહી કરી છે. સપ્ટેમ્બરમાં એબી 268 ટાઇટલ ધરાવતુ બિલ રજૂ કરવામાં આવ્યું હતું અને બંને ગૃહ દ્વારા સફળતાપૂર્વક પસાર કરવામાં આવતા કાયદો બન્યું હતું. તેના પછી ગવર્નરની અંતિમ મંજૂરીની રાહ જોવાતી હતી તે હવે મળી ગઈ છે.
સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ટ્રમ્પ વસાહતીઓ વિરોધી જંગી અભિયાન ચલાવી રહ્યા છે તે સમયે જ કેલિફોર્નિયામાં દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરવામાં આવ્યો છે.