સેક્રામેન્ટોઃ અમેરિકાના કેલિફોર્નિયાના ૧૫૦૦ એકર વિસ્તારમાં લાગેલી ભીષણ આગે બિગ સૂર વિસ્તારના જંગલોને ભરડામાં લીધા છે. સૂસવાટા મારતા પવનોને કારણે આગ ખૂબ ઝડપથી ફેલાતા સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને મુખ્ય રસ્તા પરનો ટ્રાફિક પણ બંધ કરાવાયો હતો. શુક્રવારે રાત્રે એક ખીણ પ્રદેશમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી. તે પછી પ્રતિ કલાક ૮૦ કિ.મી. ગતિએ વાવાઝોડું ફૂંકાતા આગ કેલિફોર્નિયાના સાગર કાંઠા સુધી ફેલાઈ ગઈ હતી. કેલિફોર્નિયાનાં જંગલ વિભાગના પ્રવક્તા સેસિલ જુલિયટે કહ્યું કે આગને કારણે છ કિ.મી. વિસ્તારમાં વૃક્ષો બળી ગયા હતા. કારમેલ અને બિગ સૂર વચ્ચેના ઓછી વસતી ધરાવતા વિસ્તારોને ખાલી કરાવાયા છે. આ પ્રદેશમાં વસતા ૪૦૦ રહીશોએ સ્થળાંતર કર્યું છે. આગમાં કોઈને ઇજા થઈ હોવાનો અહેવાલ નથી. સરકારી એજન્સી અને એનજીઓના ૨૫૦ જેટલા ફાયરફાઈટર સાથે મળીને આગને અંકુશમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. તે છતાં અત્યારસુધીમાં માત્ર પાંચ ટકા આગ જ અંકુશમાં લઈ શકાઈ છે.