કેલિફોર્નિયામાં ગાંધીજીની પ્રતિમા તોડી નાખીઃ ભારતીય-અમેરિકનોમાં રોષ

Tuesday 02nd February 2021 16:11 EST
 
 

કેલિફોર્નિયાઃ ગાંધીજીની હત્યા ૩૦મી જાન્યુઆરીએ કરાઈ હતી. એક તરફ જ્યારે વિશ્વભરમાં ગાંધીજીને યાદ કરીને શ્રદ્ધાંજલિ અપાતી હતી ત્યારે તાજેતરમાં ૩૧મી જાન્યુઆરીએ અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાને તોડી નંખાઈ હતી. કેલિફોર્નિયામાં આ ઘટના બની છે જેની ભારતે નિંદા કરી છે અને જે પણ આરોપીઓ હોય તેની સામે આકરાં પગલાં લેવાની માગ કરી છે. કેલિફોર્નિયાના ડેવિસમાં સેન્ટ્રલ પાર્કમાં આવેલા ગાંધીજીના ૬ ફૂટ ઉંચા અને ૨૯૪ કિલો વજન ધરાવતા બ્રોંઝના સ્ટેચ્યૂને તોડી પાડવામાં આવ્યું હતું અને તેના પર પ્લાસ્ટિક લપેટી દેવામાં આવ્યું હતું.
માત્ર એક જ મહિનામાં બીજી વખત ગાંધીજીના સ્ટેચ્યૂને નુકસાન પહોંચાડી અપમાનિત કરવામાં આવ્યું છે. આ સ્ટેચ્યુને વર્ષ ૨૦૧૬માં ભારત સરકારે ભેટ સ્વરૂપે અમેરિકાને સોપ્યું હતું. સ્ટેચ્યૂને તૂટેલી અને ખરાબ અવસ્થામાં પાર્કના એક કર્મચારીએ જોયું હતું એ પછી સમગ્ર મામલો સામે આવ્યો હતો.
ગાંધીજીની પ્રતિમાને નુક્સાન થતાં ભારત સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઘટનાને ભારત સરકાર વખોડે છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે અમેરિકન પ્રશાસન આકરા પગલાં લે. અમેરિકા સ્થિત ભારતીય એમ્બેસીએ પણ સમગ્ર મામલાને લઇને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટને તપાસ કરવા માટે કહ્યું હતું. અમેરિકી તપાસ વિભાગે કહ્યું હતું કે, આ મામલાની તપાસમાં સ્ટેચ્યૂને કેમ નુકસાન પહોંચાડવામાં આવ્યું તેનું કારણ જાણવા નથી મળ્યું. કેલિફોર્નિયા પ્રશાસને પણ આ ઘટનાની નિંદા કરી હતી અને જે પણ લોકો જવાબદાર હોય તેની સામે પગલા લેવાની ખાતરી આપી હતી. વોશિંગ્ટનમાં પણ એકાદ મહિના પહેલાં ગાંધીજીના સ્મારકને કુચડો ફેરવી દેવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter