કેલિફોર્નિયામાં પામ સ્પ્રિંગ્સ ખાતે ફર્ટિલિટી સેન્ટરમાં કાર બોમ્બ વિસ્ફોટ

Thursday 22nd May 2025 05:43 EDT
 
 

પામ સ્પ્રિંગ્સઃ કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ ખાતે એક ફર્ટિલિટી ક્લિનિક બહાર ગયા શનિવારે થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે પાંચને ગંભીર ઈજા થઈ હતી. આ બોમ્બ એટલો શક્તિશાળી હતો કે ક્લિનિકની છત પડી ગઈ હતી. આસપાસની બિલ્ડિંગની બારીઓ અને દરવાજાનાં કાચ તૂટી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ટીમ તરત ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને કાબૂમાં લાવવાની કોશિષ કરી હતી. એફબીઆઇએ આ ઘટનાને આતંકી હુમલો ગણાવ્યો હતો. આ ઘટનાનાં કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી જતાં હોવાનું અને ભાગદોડ કરી રહ્યા હોવાનું જણાઈ આવે છે. જ્યાં વિસ્ફોટ થયો હતો તે બિલ્ડિંગમાંથી ધુમાડાનાં ગોટેગોટા બહાર નીકળતા જોવા મળી રહ્યા હતા. ક્લિનિક પાસેની કેટલીક દુકાનો અને મકાનોનાં દરવાજા અને બારીઓ તૂટીને કાટમાળમાં ફેરવાઈ ગયેલી જોવા મળે છે.
કારબોમ્બ સ્વરૂપે વિસ્ફોટ કરાયો
બે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર બોમ્બ પ્રકારનો વિસ્ફોટ હતો. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિનું મોત થયું છે તે વ્યક્તિએ જ બોમ્બ વિસ્ફોટ કર્યો હોવો જોઈએ. જોકે ફેડરલ એજન્સી દ્વારા ઘટનાની તપાસ કરાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter