કેલિફોર્નિયામાં મંદિર પર હુમલો ખાલિસ્તાન સમર્થકોનું કાયરતાપૂર્ણ કૃત્ય

Wednesday 03rd January 2024 08:08 EST
 
 

વોશિંગ્ટનઃ અમેરિકામાં ફરી એક વખત સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારત વિરુદ્ધ અને ખાલિસ્તાન સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાથી અમેરિકામાં રહેતા હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે. નેવાર્ક સ્થિદત એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર પરના બોર્ડ અને દિવાલ પર કેટલાક તત્વોએ ભારતના વડાપ્રધાન વિરોધી સૂત્રો લખ્યા હતા. છેલ્લા ઘણા સમયથી વિદેશમાં આવેલા મંદિરો પર ખાલિસ્તાની આતંકીઓ ટારગેટ બનાવી રહ્યા છે. આ પહેલા કેનેડામાં પણ આજ રીતે ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
હિન્દુ અમેરિકા ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સંબંધિત તસવીરો શેર કરવામાં આવી છે. જેમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર સ્લોગન લખેલા જોવા મળે છે. બ્લેક સ્પ્રે પેઈન્ટથી ભારત અને પીએમ મોદી વિરુદ્ધ આ સૂત્રો લખવામાં આવ્યા હતા.
ફાઉન્ડેશને ભાર મૂક્યો હતો કે આ ઘટનાની તપાસ હેટ ક્રાઈમ અંતર્ગત થવી જોઈએ. મંદિરના પ્રવક્તા ભાર્ગવ રાવલે જણાવ્યું હતું કે, મંદિરની નજીક રહેતા એક શ્રદ્ધાળુએ બિલ્ડિંગની બહારની દિવાલ પર કાળી શાહીથી હિંદુવિરોધી અને ભારતવિરોધી ચિત્રો જોયા અને તરત જ સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકા સિવાય કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં પણ આવી ઘટના બની છે.
ભારતે નારાજગી વ્યક્ત કરી
આ મામલે જવાબ આપતા વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે આવા ઉગ્રવાદીઓને જગ્યા આપવી ન જોઈએ. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પહેલાથી જ યુએસ સત્તાવાળાઓ સાથે આ મામલો ઉઠાવી ચૂક્યું છે અને તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. મેં સમાચાર જોયા છે. જેમ તમે જાણો છો, અમે આ અંગે ચિંતિત છીએ. ઉગ્રવાદીઓ અને અલગતાવાદી દળોને ભારતની બહાર સ્થાન ન મળવું જોઈએ. અમારા કોન્સ્યુલેટે જે પણ થયું તેની જાણ કરી છે. અમે ફરિયાદ નોંધાવી છે.
સેનેટરોએ ઘટનાને વખોડી
નેવાર્ક મંદિરમાં તાજેતરમાં થયેલી તોડફોડની ઘટનાની ભારતીય-અમેરિકન મૂળના સેનેટરોએ વ્યાપક નિંદા કરી છે. કોંગ્રેસમેન રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, કોંગ્રેસવુમન બાર્બરા લી તેમજ ઓહિયો સેનેટના સૌથી યુવાન અને પ્રથમ હિન્દુ સેનેટર નિરજ અંતાણીએ કહ્યું હતું કે સમાજમાં ફેલાયેલો હિન્દુ ફોબિયા દૂર કરવો જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter