કેલિફોર્નિયામાં વાઈલ્ડ ફાયરથી અનેક મકાનો ખાખ

Tuesday 22nd September 2020 07:40 EDT
 

જુનિપેર હિલ્સઃ ભારે પવન ફૂંકાવાને કારણે કેલિફોર્નિયાની આગ મોહાવી રણના રહેણાક વિસ્તારોમાં ફેલાઇ જતાં અનેક મકાનો નાશ પામ્યા હોવાના અહેવાલ છે. આ દરમિયાન આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગમાં એક ફાયર ફાઇટરના મોતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. યુએસ ફોરેસ્ટ સર્વિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ મોત સાન બર્નાર્ડિનો નેશનલ ફોરેસ્ટમાં થયું હતું.
લોસ એન્જેલસ કાઉન્ટીના ઉત્તરમાં લાગેલી આગને કારણે સેમી રૂરલ ડેઝર્ટમાં આવેલી મિલકતોને પણ નુકસાન થયું છે. લોસ એન્જેલસના ઉત્તર પૂર્વના ૮૦ કિલોમીટરના વિસ્તારમાં લાગેલી આગમાં કેટલા મકાનોને નુકસાન થયું તે જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પવન ઓછો થશે અને તાપમાનમાં ઘટાડો થશે તો ફાયર ફાઇટર્સને આગને અંકુશમાં લેવામાં મદદ મળશે. ૬ સપ્ટેમ્બરથી લાગેલી આ લાગ અત્યાર સુધીમાં ૨૯૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પ્રસરી ગઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter