અમેરિકાના ‘પોઝિટિવ’ પ્રમુખના ‘પરાક્રમ’

Tuesday 06th October 2020 16:19 EDT
 
 

વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાગ્રસ્ત હોવાના રિપોર્ટ આવ્યા બાદ કોરોનાને હળવાશથી લઈને અનેક ત્રાગાં કરતા દેખાય છે. વોલ્ટર રિડ મિલિટરી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હોવા છતાં રવિવારે બપોરે ટ્રમ્પ હોસ્પિટલ બહાર ટહેલતા દેખાયા હતા તો વ્હાઈટ હાઉસમાં પેસતાં જ માસ્કને ટાટા બાય બાય કરી દીધું હોવાની ચર્ચા છે.
ટ્રમ્પની તબિયત જાહેર કરાઈ તેથી વધુ ખરાબ હતી!
ટ્રમ્પની તબિયત બીજી ઓક્ટોબરે જાહેર કરાઈ તેનાં કરતા વધુ ખરાબ હોવાનું વ્હાઈટ હાઉસનાં ચિફ ઓફ સ્ટાફ માર્ક મિડોવ્ઝે જણાવ્યું હતું. તેમને તાવ હતો અને ઓક્સિજન લેવલ ઝડપથી ઘટી રહ્યું હતું તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા ડોકટરોએ ભલામણ કરી હતી. મિડોવ્ઝે ૩જીએ રાત્રે અમેરિકાની ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં આ ચિંતાજનક ખુલાસો કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નવેમ્બર, ૨૦૨૦માં યુએસમાં પ્રમુખપદની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ટ્રમ્પ કોરોના પોઝિટિવ થવાને ‘પોઝિટિવલી’ લઈને લોકો પાસેથી સિમ્પથી મેળવવાના સ્ટંટ કરી રહ્યા હોવાની પણ વૈશ્વિક રાજકારણમાં ચર્ચા છે.
રવિવારે હોસ્પિટલમાંથી કાળા રંગની એસયુવી કારમાં પાછલી સીટમાં ટ્રમ્પ કાળા રંગનું માસ્ક ધારણ કરીને બેઠા બેઠા હાથ હલાવીને સમર્થકોનું અભિવાદન ઝીલતા હતા. આમ કરતાં પહેલાં ટ્રમ્પે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને પોતે હોસ્પિટલ બહાર નીકળવાના છે તેની માહિતી આપીને મોકે ચોક્કો માર્યો હતો. જોકે વોલ્ટર રિડ હોસ્પિટલના તબીબ ડો. જેમ્સ ફિલિપ્સે ટ્વિટ કરીને જણાવ્યું કે, ટ્રમ્પ સાથે કારમાં બેઠેલા તમામે ૧૪ દિવસ ક્વોરેન્ટાઇન થવું પડશે.
વિરોધ પક્ષ અને આરોગ્ય નિષ્ણાતો કોરોના અને માસ્ક મુદ્દે ટ્રમ્પને બેજવાબદાર ગણાવે છે તો તો સંક્રમણની સારવાર દરમિયાન ટ્રમ્પ હોસ્પિટલમાંથી બહાર નીકળતાં તેમની ભારે આલોચના થઇ રહી છે. વિરોધપક્ષ ડેમોક્રેટનું કહેવું છે કે ટ્રમ્પ એવું દર્શાવવાના પ્રયાસમાં છે કે કોરોનાગ્રસ્ત હોવા છતાં તેઓ સદંતર ઠીક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter